બનાસકાંઠા જિલ્લા મથક પાલનપુરમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે મેઘરાજાનું આગમન થયું હતું. જોકે, માત્ર 1 થી દોઢ ઇંચ જેટલા સામાન્ય વરસાદે જ પાલનપુર નગરપાલિકા અને માર્ગ-મકાન વિભાગની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખોલીને મૂકી દીધી છે.
સામાન્ય વરસાદે મુખ્ય રસ્તો જળમગ્ન થઈ ગયો
શહેરના સૌથી ધમધમતા એવા જૂના બસ સ્ટેન્ડ રોડ પર વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન હોવાના કારણે મુખ્ય રસ્તો જળમગ્ન થઈ ગયો હતો. બસ સ્ટેન્ડના મુખ્ય પ્રવેશદ્વાર આગળ જ તળાવ જેવા દ્રશ્યો સર્જાતાં એસ.ટી. બસમાં મુસાફરી કરવા આવતા-જતા મુસાફરોને પોતાના સામાન સાથે ગંદા પાણીમાંથી ચાલીને જવાની ફરજ પડી હતી, જેના કારણે મુસાફરોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો.
હાઇવે પર ઢીંચણસમા પાણી ભરાઈ ગયા
માત્ર નગરપાલિકા વિસ્તાર જ નહીં, પરંતુ પાલનપુરને પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી સાથે જોડતા મુખ્ય હાઇવે પર પણ વરસાદી પાણીનો નિકાલ ન થતાં વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. પાલનપુર-અંબાજી હાઇવે પર આવેલી રામપુરા ચોકડી નજીક હાઇવે પર ઢીંચણસમા પાણી ભરાઈ ગયા હતા.
પ્રજા તંત્રની બેદરકારીનો ભોગ બની રહી
હાઇવે પર પાણી ભરાવાને કારણે અનેક દ્વિચક્રી અને ચાર-ચક્રી વાહનોના સાયલેન્સરમાં પાણી ઘૂસી જતાં વાહનો બંધ પડી ગયા હતા. જેના કારણે હાઇવે પર વાહનોની લાંબી લાઈનો અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ દર વર્ષે સામાન્ય વરસાદમાં પણ આ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા રહે છે, તેમ છતાં તંત્ર દ્વારા કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવતો નથી અને પ્રજા તંત્રની બેદરકારીનો ભોગ બની રહી છે.
આ પણ વાંચો: Banaskantha: જૂના ડીસામાં 542 કરોડના ખર્ચે બનશે એશિયાનું પ્રથમ ડેઝર્ટ-થીમ ઝૂ અને નાઇટ સફારી