બનાસકાંઠા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આયોજિત 'દિશા' (DISHA) કમિટીની મહત્વપૂર્ણ બેઠક સાંસદ ગેનીબેન ઠાકોરના અધ્યક્ષસ્થાને સંપન્ન થઈ હતી. આ બેઠકમાં જિલ્લાના વિકાસકાર્યોની સમીક્ષા કરવામાં આવી હતી, જેમાં કામોની ગુણવત્તા અને ખેડૂતોના પડતર પ્રશ્નો પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.બેઠક દરમિયાન સાંસદ ગેનીબેન ઠાકોરે સરકારી કામોમાં ગુણવત્તા જળવાઈ રહે તે બાબતે કડક વલણ અપનાવ્યું હતું. 


વહીવટી તંત્રને કડક સૂચનાઓ આપી

ગેનીબેન ઠાકોરે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, જિલ્લામાં થઈ રહેલા વિકાસકાર્યોમાં જો કોઈ ખામી જણાશે તો તેની તપાસ માટે ખાસ રીચેકિંગ કમિટીની રચના કરવામાં આવશે.માત્ર કાગળ પર ચાલતા કામો નહીં. પરંતુ પ્રત્યક્ષ સ્થળ તપાસને વધુ મહત્વ આપવામાં આવશે.જો જરૂર જણાશે તો ચૂંટાયેલા પદાધિકારીઓ પોતે સ્થળ મુલાકાત કરી કામોની ચકાસણી કરશે.આ સમગ્ર મામલે તેમણે જિલ્લા કલેક્ટરનું ધ્યાન દોરીને કામગીરીમાં પારદર્શિતા અને ઝડપ લાવવા માટે વહીવટી તંત્રને કડક સૂચનાઓ આપી હતી.

ખેડૂતોને પડતી મુશ્કેલીઓનો તાત્કાલિક ઉકેલ લાવવા તાકીદ

બેઠકનું અન્ય એક મુખ્ય પાસું ખેડૂતોના પ્રશ્નોનું હતું.જિલ્લામાં ખેડૂતોને લાંબા સમયથી વીજ કનેક્શન ન મળતા હોવાને કારણે ભારે અસંતોષ પ્રવર્તી રહ્યો છે.સાંસદે આ મુદ્દે વહીવટી તંત્ર અને વીજ કંપનીના અધિકારીઓ સમક્ષ ગંભીર સવાલો ઉઠાવ્યા હતા અને ખેડૂતોને પડતી મુશ્કેલીઓનો તાત્કાલિક ઉકેલ લાવવા તાકીદ કરી હતી.આ બેઠક દ્વારા સાંસદ ગેનીબેન ઠાકોરે વહીવટી તંત્રને જનતાના કામો પ્રત્યે સજાગ રહેવા અને વિકાસકાર્યોમાં થતી લાપરવાહી સાંખી લેવામાં નહીં આવે તેવો સ્પષ્ટ સંકેત આપ્યો છે. જિલ્લાના સર્વાંગી વિકાસ માટે તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ વચ્ચે સંકલન સાધીને કામ કરવા પર તેમણે વધુ ભાર મૂક્યો હતો.

આ પણ વાંચોઃ Surat News: સુરતના કથિત પત્રકાર મોન્ટુ કેબલના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર, 10 લાખની ખંડણી માંગી હતી



  • Follow us on: