બનાસકાંઠા જિલ્લાની થરા નગરપાલિકાની ચૂંટણીના પરિણામોમાં એક અનોખો અને પ્રેરણાદાયી રાજકીય ઇતિહાસ રચાયો છે. નગરપાલિકાના વોર્ડ નંબર ૨ માં ભારતીય જનતા પાર્ટી (BJP) ની ટિકિટ પરથી ચૂંટણી લડનારી માત્ર 21 વર્ષીય યુવતી ખુશી શેઠે ભવ્ય વિજય મેળવીને સૌનું ધ્યાન ખેંચ્યું છે. આ જીત સાથે ખુશી શેઠ થરા નગરપાલિકાના ઇતિહાસમાં સૌથી નાની વયની નગરસેવિકા (કોર્પોરેટર) બનવાનું ગૌરવ હાંસલ કરી ચૂકી છે.
પ્રથમ વખત વોટર લિસ્ટમાં નામ અને સીધી ચૂંટણીમાં જીત
ખુશી શેઠની આ જીત અનેક રીતે ખાસ અને ઐતિહાસિક માનવામાં આવે છે. માત્ર 21 વર્ષની વયે પહોંચેલી ખુશીનું નામ આ વર્ષે જ પ્રથમ વખત મતદાર યાદીમાં ઉમેરાયું હતું.ભારતીય જનતા પાર્ટીએ યુવા નેતૃત્વ પર ભરોસો મૂકીને નવા મતદાર બનેલી આ યુવતીને સીધી નગરપાલિકા ચૂંટણીની ટિકિટ સોંપી હતી.સ્થાનિક મતદારોએ પણ યુવા ઉત્સાહ અને નવી વિચારસરણીને વધાવી લઈને ખુશી શેઠને જંગી મતોથી વિજયી બનાવી નગરસેવિકા તરીકે ચૂંટી કાઢી છે.
‘પાર્ટીએ વિશ્વાસ મૂક્યો અને જનતાએ જીતાડી એનો આનંદ’: ખુશી શેઠ
ઐતિહાસિક વિજય બાદ પોતાની ખુશી વ્યક્ત કરતાં નવચૂંટાયેલી નગરસેવિકા ખુશી શેઠે જણાવ્યું હતું કે"મારું નામ પ્રથમ વખત જ મતદાર યાદીમાં આવ્યું હતું અને ભાજપે મારા જેવા સામાન્ય યુવા ચહેરા પર ભરોસો મૂકીને મને ટિકિટ આપી. વોર્ડના નાગરિકોએ મને આશીર્વાદ આપીને વિજયી બનાવી છે તેની મને અનહદ ખુશી છે. હવે મારો એકમાત્ર સંકલ્પ વોર્ડ નંબર 2 ના નાગરિકોના પ્રશ્નો ઉકેલવાનો અને વિસ્તારનો સર્વાંગી વિકાસ કરવાનો રહેશે."
યુવા વર્ગમાં પ્રેરણા અને કાર્યકરોમાં વિજયનો ઉત્સાહ
પરિણામ જાહેર થતાંની સાથે જ મતગણતરી કેન્દ્ર બહાર ખુશી શેઠના સમર્થકો અને ભાજપના કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.સૌથી નાની વયની દીકરી નગરપાલિકામાં ચૂંટાઈ આવતાં સ્થાનિક મહિલાઓ અને યુવાનોમાં ગર્વની લાગણી પ્રસરી ગઈ છે.સમર્થકોએ ફુલહાર પહેરાવી, પેંડા વહેંચીને અને અબીલ-ગુલાલ ઉડાડીને થરાની આ સૌથી યુવા નગરસેવિકાના વિજયનો ભવ્ય જશ્ન મનાવ્યો હતો.
આ પણ વાંચો:Surat: ATM તોડવા ગયેલા તસ્કરો સાથે મોટો ખેલ! કામરેજમાં SBI ના ATM માં ચોરીના પ્રયાસ વચ્ચે આગ ભભૂકી