બનાસકાંઠા જિલ્લામાંથી પસાર થતાં થરા-શિહોરી નેશનલ હાઇવે પર આજે એક અકસ્માતની સાથે વિચિત્ર દ્રશ્યો સર્જાયા હતા. કંડલા બંદરથી ખાદ્ય તેલ ભરીને દિલ્હી તરફ જઈ રહેલું એક વિશાળ ટેન્કર થરા-શિહોરી હાઇવે પરથી પસાર થઈ રહ્યું હતું ત્યારે અચાનક ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવી દીધો હતો. કાબૂ બહાર ગયેલું ટેન્કર રોડની સાઇડમાં ધડાકાભેર પલટી મારી ગયું હતું.
બનાસકાંઠામાં નેશનલ હાઇવે પર અકસ્માત બાદ વિચિત્ર દ્રશ્યો
અકસ્માતને કારણે ટેન્કરમાંથી તેલ રસ્તા પર અને આસપાસના ખાડામાં વહેવા લાગ્યું હતું. ટેન્કર પલટી ગયું હોવાના સમાચાર વાયુવેગે આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પ્રસરી જતાં જ સ્થાનિકો પોતાના ઘરેથી બોટલો, ડોલ, ડબ્બા અને કેરબા લઈને ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
