સુરત શહેરના યોગીચોક વિસ્તારમાં મોડી રાત્રે આગની એક વિકરાળ ઘટના બનતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો. યોગીચોકમાં આવેલી શિવફાર્મ સોસાયટી નજીક ઓનલાઇન શોપિંગ પ્લેટફોર્મ પર વેચાતી વિવિધ ચીજવસ્તુઓ સંગ્રહિત કરવાનું એક મોટું ગોડાઉન આવેલું છે. મોડી રાત્રે અચાનક આ ગોડાઉનની અંદરથી ધુમાડાના ગોટેગોટા નીકળવાનું શરૂ થયું હતું અને જોતજોતામાં આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું.ગોડાઉનમાં પ્લાસ્ટિક, પેકિંગ મટિરિયલ, ઈલેક્ટ્રોનિક્સ અને કાપડ જેવી જ્વલનશીલ વસ્તુઓનો મોટો જથ્થો હોવાના કારણે આગ વાયુવેગે સમગ્ર વેરહાઉસમાં પ્રસરી ગઈ હતી.

યોગીચોકમાં આવેલા ગોડાઉનમાં આગ લાગી 

બનાવની જાણ થતાં જ આસપાસના રત્નકલાકારો અને સ્થાનિકો એકઠા થઈ ગયા હતા અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગને ઈમરજન્સી કોલ કરવામાં આવ્યો હતો. મેજર કોલ જાહેર કરીને યોગીચોક, વરાછા અને કાપોદ્રા સહિતના ફાયર સ્ટેશનોમાંથી ફાયર ફાઇટરોની ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી.ફાયર બ્રિગેડના જવાનોએ ચારેય તરફથી પાણીનો સતત મારો ચલાવીને આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી. કલાકોની આકરી મશક્કત અને સવાર સુધી ચાલેલા ઓપરેશન બાદ આગ પર આખરે કાબૂ મેળવી શકાયો હતો.

કરોડો રૂપિયાની કિંમતનો સામાન બળી ગયો

જોકે અગ્નિકાંડ એટલો ભયાનક હતો કે સવાર સુધીમાં ગોડાઉનમાં રહેલો અંદાજે કરોડો રૂપિયાની કિંમતનો ઓનલાઇન સામાન બળીને કોલસો થઈ ગયો હતો. સદનસીબે બનાવ વખતે ગોડાઉનમાં કોઈ કર્મચારી કે મજૂર હાજર ન હોવાથી જાનહાનિ ટળી હતી. આગ કયા કારણોસર લાગી તે હજુ અસ્પષ્ટ છે, પરંતુ પ્રાથમિક તબક્કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન વ્યક્ત કરાઈ રહ્યું છે.

આ પણ વાંચો:Chhotaudepur: ઓરસંગ નદી સીઝનમાં પ્રથમ વાર બે કાંઠે વહી: મધ્યપ્રદેશમાં ભારે વરસાદથી આવ્યા નવા નીર