બનાસકાંઠાના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ગ્રામ પંચાયતની સામાન્ય સભામાં પાણીની સમસ્યાને લઈને ભારે હોબાળો જોવા મળ્યો હતો. પંચાયતની બેઠક દરમિયાન યોગેશ્વર સોસાયટી અને શક્તિધારા સોસાયટીની મહિલાઓ મોટી સંખ્યામાં રજૂઆત કરવા પહોંચી હતી. આ વિસ્તારની મહિલાઓએ પૂરતું પાણી ન મળતું હોવાની ઉગ્ર ફરિયાદો કરી હતી, જેના કારણે વાતાવરણ તણાવપૂર્ણ બન્યું હતું.

શક્તિ કોરિડોરની કામગીરીને કારણે પાણીની લાઈનોમાં વારંવાર નુકસાન

સ્થળ પર સર્જાયેલી સમસ્યા અંગે સેક્રેટરી સંજયભાઈ જોશીએ ખુલાસો કરતા જણાવ્યું હતું કે, હાલ અંબાજીમાં ચાલી રહેલી શક્તિ કોરિડોરની કામગીરીને કારણે પાણીની મુખ્ય લાઈનોમાં વારંવાર સમારકામ કરવું પડે છે. આ ઉપરાંત ઉપરથી જ પૂરતો જથ્થો ન મળતો હોવાથી ગ્રામ પંચાયતને પણ પાણી વિતરણ કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.


તેમ છતાં, પંચાયત દ્વારા પાણીની સમસ્યાવાળા વિસ્તારોમાં ટેન્કરથી પાણી પહોંચાડવાની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી રહી છે, તેમજ ત્રિશુલિયા ઘાટ નજીક નવા પાણીના સંપની કામગીરી પણ ઝડપથી આગળ વધારવામાં આવી રહી છે.

સરપંચ કલ્પનાબેન દવેની ગાંધીનગર સુધી રજૂઆત અને ભાવુક ક્ષણો

લોકોની સતત રજૂઆતો અને પાણીની સમસ્યાના કાયમી ઉકેલ માટે સરપંચ કલ્પનાબેન દવે દ્વારા અગાઉ ગાંધીનગર સુધી રજૂઆતો કરવામાં આવી છે. સામાન્ય સભા દરમિયાન સર્જાયેલા હોબાળા અને તણાવ વચ્ચે સરપંચ કલ્પનાબેન દવે ભાવુક થઈ ગયા હતા અને તેમની આંખમાં આંસુ આવી ગયા હતા. જોકે, સભા બાદ સરપંચ બેભાન થયા હોવાની વહેતી થયેલી અફવાઓ અંગે સેક્રેટરી સંજયભાઈ જોશીએ સ્પષ્ટતા કરીને તમામ અટકળોને ફગાવી દીધી હતી.


આ પણ વાંચો: Banaskantha News: અંબાજી કોલેજમાં 6 લાખની ઉચાપત કેસમાં તત્કાલીન પ્રિન્સિપાલ અને હેડ ક્લાર્કને 7 વર્ષની કેદ