બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાં મોડી રાત્રે એક અત્યંત દર્દનાક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. વડગામના નગાણા બસ સ્ટેન્ડ નજીકથી પસાર થઈ રહેલી એક કાર અને ટ્રક વચ્ચે સામસામે ભયાનક ટક્કર થઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને ઘટનાની તીવ્રતા એટલી વધુ હતી કે આસપાસના વિસ્તારમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી.

ઘટના સ્થળે જ એક વ્યક્તિનું કરુણ મોત, એક ઈજાગ્રસ્ત

આ ભયાનક ટક્કરમાં કારમાં સવાર 1 વ્યક્તિનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે અકસ્માતમાં અન્ય 1 વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. અકસ્માત સર્જાતા જ આસપાસના સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તાત્કાલિક ધોરણે ઈજાગ્રસ્ત વ્યક્તિને વધુ સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની સારવાર ચાલી રહી છે.

છાપી પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી, તપાસનો ધમધમાટ શરૂ

ઘટના અંગેની જાણ થતાં જ છાપી પોલીસ સ્ટેશનનો કાફલો તુરંત જ અકસ્માત સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતકના મૃતદેહને કબજે લઈને પંચનામું કરી, પોસ્ટ મોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. આ સાથે જ અકસ્માતના કારણે માર્ગ પર ખોરવાયેલા વાહન વ્યવહારને પોલીસે પૂર્વવત કરાવ્યો હતો.

પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી

આ ગમખ્વાર અકસ્માત અંગે છાપી પોલીસે કાયદેસરનો ગુનો નોંધીને આગળની વધુ તપાસ આદરી છે. અકસ્માત કયા કારણોસર સર્જાયો, ડ્રાઇવરની બેદરકારી હતી કે અન્ય કોઈ ટેકનિકલ ખામી, તે તમામ પાસાઓ પર પોલીસ હાલ ઝીણવટભરી તપાસ કરી રહી છે.


આ પણ વાંચો - Banaskantha News: અંબાજી હાઈવે પર કાર અને બાઈક વચ્ચે ટક્કર, યુવક-યુવતીનું મોત