બનાસકાંઠા જિલ્લા તેમજ વાવ અને થરાદ પંથકમાં આવેલા IRM એનર્જી કંપની દ્વારા સંચાલિત CNG પંપ સંચાલકોએ આકરો નિર્ણય લીધો છે. કમિશનમાં વધારો કરવા સહિતની વિવિધ માંગણીઓને લઈને પંપ સંચાલકો અને કંપની વચ્ચે ચાલી રહેલી વાટાઘાટોમાં કોઈ સકારાત્મક ઉકેલ ન આવતા સંચાલકોએ 14 સપ્ટેમ્બરથી અનિશ્ચિત મુદતની હડતાલ પર જવાની જાહેરાત કરી છે.

કુલ 65 CNG પંપો રહેશે બંધ

આ હડતાલના કારણે બનાસકાંઠા અને વાવ-થરાદ વિસ્તારમાં આવેલા IRM કંપનીના સંચાલન હેઠળના અંદાજે 65 જેટલા CNG પંપો પર વેચાણ સંપૂર્ણપણે ઠપ્પ થઈ જશે. પંપ સંચાલકોએ સ્પષ્ટ જણાવ્યું છે કે, જ્યાં સુધી કંપની દ્વારા તેમની માંગણીઓ સંદર્ભે લેખિતમાં બાંહેધરી આપવામાં નહીં આવે, ત્યાં સુધી પંપો અનિશ્ચિત મુદ્દત માટે બંધ રાખવામાં આવશે.

અગાઉની બાંહેધરી એળે ગઈ

અત્રે નોંધનીય છે કે, પંપ સંચાલકોએ અગાઉ પણ પોતાની માંગણીઓ સંતોષવા માટે એક દિવસનો બંધ પાળ્યો હતો. તે સમયે કંપની દ્વારા યોગ્ય ઉકેલ લાવવાની બાંહેધરી આપવામાં આવી હતી, પરંતુ સમય વીતવા છતાં વાતચીત નિષ્ફળ જતાં અને માંગણીઓ ન સંતોષાતા સંચાલકોએ ફરી એકવાર અનિશ્ચિત મુદતની હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે.

Banaskantha News: CNG Pump Strike: 65 IRM Outlets to Close Indefinitely Over Commission Issue

વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડશે

65 જેટલા CNG પંપો એકસાથે બંધ રહેવાના કારણે બનાસકાંઠા અને સરહદી વાવ-થરાદ વિસ્તારના હજારો વાહનચાલકો તેમજ રિક્ષાચાલકોને ઈંધણ મેળવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે. પંપો બંધ રહેતા વાહનવ્યવહાર પર પણ મોટી અસર પડવાની શક્યતા સેવાઈ રહી છે.


આ પણ વાંચો: Palanpurના દલવાડામાં સગા ભાઈની હત્યા કરનાર હત્યારો ભાઈની ધરપકડ