અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં દીકરીઓની સુરક્ષા પર ગંભીર સવાલો ઉભા કરતી એક ઘટના પ્રકાશમાં આવી છે. અંકલેશ્વરના પોશ ગણાતા ગાર્ડન સિટી રોડ પરથી વહેલી સવારે બે સગી બહેનો નિયમિત મુજબ પોતાના ટ્યુશન ક્લાસીસ તરફ જઈ રહી હતી. આ માસૂમ બાળકીઓ રસ્તા પરથી પસાર થઈ રહી હતી ત્યારે જ અચાનક એક ફોર-વ્હીલર કાર તેમની સામે આવીને ઉભી રહી ગઈ હતી. કારમાંથી ઉતરેલા શખ્સોએ કંઈ પણ પૂછ્યા કે સમજ્યા વગર આ બંને બહેનો પર તૂટી પડ્યા હતા.
જાહેરમાં દીકરીઓ પર થતા હુમલો
આરોપીઓએ કાયદાનો સહેજ પણ ડર રાખ્યા વિના જાહેરમાં રસ્તાની વચ્ચે જ ક્રિકેટના બેટ અને ચંપલ વડે બંને બહેનોને બેરહેમીથી માર મારવાનું શરૂ કર્યું હતું. આ હુમલો એટલો ભયાનક હતો કે બાળકીઓ પોતાની જાતને બચાવવા માટે ચીસાચીસ કરી રહી હતી. આ સમગ્ર ઘટના નજીકની સોસાયટીના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે કેવી રીતે નરાધમો સગીર વયની દીકરીઓને નિર્દયતાથી ફટકારી રહ્યા છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ હુમલા પાછળ મુખ્ય સૂત્રધાર ગુરુદેવ ઉર્ફે દેવ પ્રીતમ સિંગ જેસર છે, જેણે પોતાના પિતાની ઉશ્કેરણીથી આ કૃત્ય આચર્યું હતું. આ ગંભીર ગુનામાં ગુરુદેવની માતા, દાદી અને તેની દીકરીએ પણ સક્રિય ભૂમિકા ભજવી હોવાનો ગંભીર આરોપ ફરિયાદમાં લગાવવામાં આવ્યો છે.
