ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના માંગરોલ ગામે આવાસ યોજનાના પ્લોટો અચાનક રદ કરવામાં આવતા સ્થાનિક ગ્રામજનો અને વહીવટી તંત્ર વચ્ચે વિવાદ વકર્યો છે. આદિવાસીઓના આરાધ્ય દેવ ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે ગ્રામજનો માટે આવાસ યોજનાના પ્લોટ મંજૂર કરવામાં આવ્યા હતા. જોકે, કુલ 36 આવાસ પૈકી અચાનક 16 આવાસ રદ કરી દેવામાં આવતા ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો.

સરપંચ, ગ્રામજનો અને કોંગ્રેસના હોદ્દેદારો દ્વારા તાલુકા પંચાયત કચેરીએ દેખાવો

આ અન્યાય સામે અવાજ ઉઠાવવા માટે માંગરોલ ગામના સરપંચ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો અને કોંગ્રેસ પક્ષના હોદ્દેદારો આમોદ તાલુકા પંચાયત કચેરી ખાતે દોડી આવ્યા હતા. તંત્રની મનસ્વી નીતિ વિરુદ્ધ રોષ વ્યક્ત કરવા માટે તમામે તાલુકા વિકાસ અધિકારીની (TDO) કચેરીના મુખ્ય દરવાજા અને ગેટ બહાર બેસીને વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું.

'શ્રી રામ જય રામ'ના ભજન સાથે અનોખી રીતે વિરોધ નોંધાવ્યો

આશ્ચર્યજનક વાત એ રહી કે, વિરોધ પ્રદર્શન દરમિયાન આંદોલનકારીઓએ કોઈ ઉગ્ર સૂત્રોચ્ચાર કરવાને બદલે 'શ્રી રામ જય રામ જય જય રામ' ના ભજનો ગાઈને તંત્ર સામે અનોખી રીતે અસંતોષ વ્યક્ત કર્યો હતો. ગાંધી ચિંધ્યા માર્ગે શાંતિપૂર્ણ રીતે ભજનો ગાઈને તંત્રને સદબુદ્ધિ મળે તેવા પ્રયાસો કરવામાં આવ્યા હતા.


ગરીબ પરિવારોના આવાસ રદ કરવાનું કારણ શું?

આંદોલનકારીઓની મુખ્ય માગ એ છે કે, રદ કરવામાં આવેલા 16 આવાસના હુકમો વહેલી તકે ફરીથી મંજૂર કરવામાં આવે. ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોના છત છીનવી લેવા પાછળનું અસલી કારણ શું છે? તે અંગે જવાબદાર અધિકારીઓ સ્પષ્ટતા કરે તેવી માગ ઉઠી છે. જો વહેલી તકે યોગ્ય નિર્ણય નહીં લેવાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.


આ પણ વાંચો: Bharuchના અંકલેશ્વરમાં વાલિયા ચોકડી નજીક ભારે ટ્રાફિકજામના આકાશી દ્રશ્યો! પિક અવર્સમાં રોજિંદી પરેશાની