ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક શહેર અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક ભારે ટ્રાફિકજામના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. આકાશી દ્રશ્યોમાં વાહનોની લાંબી કતારો અને રસ્તા પર સર્જાયેલી ગીચતા સ્પષ્ટપણે નજરે પડે છે. ખાસ કરીને 1 પિક અવર્સ દરમિયાન આ વિસ્તારમાં ટ્રાફિકજામની સમસ્યા રોજિંદી બની ગઈ છે, જેના કારણે નોકરી-ધંધે જતા લોકો અને માલવાહક વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

પ્રતિન ચોકડીથી GIDC જોડતો બ્રિજ બંધ રહેતા વધી પરેશાની

મળતી માહિતી મુજબ, પ્રતિન ચોકડીથી GIDC ને જોડતો બ્રિજ બંધ રહેતા ટ્રાફિકનું ભારણ અન્ય માર્ગો પર વધી ગયું છે. બ્રિજ બંધ હોવાના કારણે વાહનો વાલિયા ચોકડી તરફ વળતા ત્યાં સતત ચક્કાજામ જેવી સ્થિતિ સર્જાય છે. લાંબા સમયથી આ સમસ્યા યથાવત રહેતા સ્થાનિક વાહનચાલકો અને ઔદ્યોગિક એકમો સાથે સંકળાયેલા લોકોમાં ભારે પરેશાની જોવા મળી રહી છે.


ટ્રાફિકજામની સમસ્યાનું કાયમી નિરાકરણ આવે તેવી માંગ

અંકલેશ્વરમાં ટ્રાફિકની રોજિંદી માથાકૂટથી કંટાળેલા વાહનચાલકો અને સ્થાનિકો દ્વારા તંત્ર સમક્ષ કાયમી નિરાકરણ લાવવાની માંગ ઉઠી રહી છે. બ્રિજની કામગીરી ઝડપી પૂર્ણ કરવાની સાથે ટ્રાફિક નિયમન માટે નક્કર વ્યવસ્થા ગોઠવવામાં આવે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે, જેથી પિક અવર્સમાં વાહનચાલકોને સમય અને ઈંધણનો બગાડ અટકાવી શકાય.

આ પણ વાંચો : Ahmedabadમાં NCBના સકંજામાં આવેલા હર્ષિલ પરીખના 3 દિવસના રિમાન્ડ મંજૂર! વધુ પૂછપરછનો ધમધમાટ શરૂ