હવામાન વિભાગ દ્વારા 31 જુલાઈ અને 1 ઓગસ્ટ દરમિયાન ભરૂચ જિલ્લા સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની કડક આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આગાહીના પગલે ભરૂચ જિલ્લા કલેક્ટર અને વહીવટી તંત્ર દ્વારા સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.બીજી તરફ, હવામાન વિભાગની આગાહી મુજબ જ આજે વહેલી સવારથી અંકલેશ્વર શહેર અને તેના આસપાસના વિસ્તારોમાં મેઘાવી માહોલ જામ્યો છે. અંકલેશ્વર શહેર સહિત GIDCના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. વરસાદી છાંટા અને પવનના કારણે સમગ્ર વાતાવરણમાં ગુલાબી ઠંડક પ્રસરી ગઈ છે.
દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
https://twitter.com/sandeshnews/status/2083039742267101289
નર્મદા કાંઠે SDRF અને 26 બોટ ખડેપગે
સંભવિત અતિભારે વરસાદથી જો પૂર કે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાય તો ત્વરિત રાહત અને બચાવ કામગીરી કરી શકાય તે માટે ભરૂચ જિલ્લા પ્રશાસને આગોતરું આયોજન કર્યું છે. નર્મદા નદીના બંને કાંઠે SDRFની ટીમોને ડિપ્લોય કરી દેવામાં આવી છે. આ ઉપરાંત ૨૬ બચાવ બોટ અને જરૂરી ઈમરજન્સી સાધન-સામગ્રી સાથે રેસ્ક્યૂ દળને ૨૪ કલાક ખડેપગે રાખવામાં આવ્યું છે.
400 સ્વયંસેવકો સજ્જ - નાગરિકોને અપીલ
જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન હેઠળ 400થી વધુ તાલીમબદ્ધ સ્વયંસેવકોને પણ એલર્ટ મોડ પર રાખવામાં આવ્યા છે. વહીવટી તંત્ર દ્વારા નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અપીલ કરવામાં આવી છે કે અતિ આવશ્યક કામ વગર ઘરમાંથી બહાર ન નીકળવું તેમજ નદી-નાળા અને લો-લાઇન વિસ્તારોથી દૂર રહેવું.
આ પણ વાંચો: Narmada: કરજણ ડેમના 4 ગેટ ખોલાયા, નદીમાં 34 હજાર ક્યુસેક પાણી છોડાતાં ગામો એલર્ટ