અંકલેશ્વરમાંથી પસાર થતા નેશનલ હાઇવે 48 (NH-48) પર નિલેશ ચોકડી પાસે એક ગંભીર અકસ્માત સર્જાયો છે. સુરતથી વડોદરા તરફ જઈ રહેલું એક ઓવરહાઇટ કન્ટેનર નિલેશ ચોકડી ઓવરબ્રિજ નીચેથી પસાર થતી વખતે બ્રિજના ગર્ડર સાથે ધડાકાભેર અથડાયું હતું. ટક્કર એટલી જોરદાર હતી કે બ્રિજનો સ્લેબ તૂટી ગયો હતો અને અંદર રહેલા લોખંડના સળિયા બહાર દેખાવા લાગ્યા હતા. બ્રિજને મોટું સ્ટ્રક્ચરલ નુકસાન પહોંચતાં તકેદારીના ભાગરૂપે પ્રતિન ચોકડીથી GIDC તરફ વાહનો લઈ જતો આખો ઓવરબ્રિજ તાત્કાલિક અસરથી બંધ કરી દેવાયો છે, જેના પગલે નેશનલ હાઇવે સહિત આસપાસના એપ્રોચ રોડ પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી.
બ્રિજને ભારે નુકસાન થતા સળિયા ખુલ્લા થઈ ગયા
સુરત તરફથી માલ ભરીને વડોદરા તરફ પૂરઝડપે જઈ રહેલું કન્ટેનર નિલેશ ચોકડી બ્રિજની ઊંચાઈની મર્યાદા વટાવીને નીચેથી ઘૂસતાં ઉપરના ભાગે ફસાઈ ગયું હતું.ટક્કરના કારણે બ્રિજના પાયા અને બીમનો કોંક્રિટ ભાગ તૂટીને નીચે પડ્યો હતો, જેના કારણે કોંક્રિટની અંદર રહેલા લોખંડના સળિયા ખુલ્લા થઈ ગયા છે.અકસ્માત સમયે સદનસીબે બ્રિજ નીચેથી કોઈ નાનું વાહન કે રાહદારી પસાર ન થતાં મોટી જાનહાનિ ટળી હતી.ઘટનાની જાણ થતાં જ નોટિફાઇડ એરિયા ઓથોરિટી, ડીપીએમસી (DPMC) અંકલેશ્વર અને સ્થાનિક પોલીસનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને ક્રેનની મદદથી કન્ટેનરને બહાર કાઢવાની કવાયત હાથ ધરી હતી.
