ગુજરાતની કેમિકલ અને પેટ્રોકેમિકલ હબ ગણાતી ભરૂચ જિલ્લાની ઔદ્યોગિક વસાહતોમાં આગ લાગવાની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. અંકલેશ્વર-પાનોલી ઔદ્યોગિક પંથકમાં સતત બીજા દિવસે ભીષણ આગનો બનાવ સામે આવતાં સમગ્ર પંથકમાં ભારે ભય અને દોડધામનો માહોલ સર્જાયો છે. પાનોલી GIDC માં આવેલી ‘સુપ્રીમ પેટ્રોકેમ’ નામની કંપનીમાં અચાનક વિકરાળ આગ ફાટી નીકળી હતી. પેટ્રોકેમિકલ અને જ્વલનશીલ સામગ્રી હોવાના કારણે આગે ક્ષણવારમાં જ પ્રચંડ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેના ધુમાડાના કાળા ડિબાંગ ગોટેગોટા અને અગનજ્વાળાઓ કેટલાક કિલોમીટર દૂર સુધી આકાશમાં સ્પષ્ટ નજરે પડતા હતા. આ દુર્ઘટનામાં પ્લાન્ટમાં કામ કરી રહેલા 3 કામદારો ગંભીર રીતે દાઝી ગયા હોવાના પ્રાથમિક અહેવાલ મળ્યા છે.

પાનોલી ઔદ્યોગિક પંથકમાં ભીષણ આગનો બનાવ

પ્લાન્ટમાંથી એકાએક આગની જ્વાળાઓ અને ધડાકા સંભળાતાં કંપનીમાં હાજર કર્મચારીઓ અને આસપાસની અન્ય કંપનીઓમાં દોડધામ મચી ગઈ હતી. બનાવની જાણ થતાં જ પાનોલી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન તેમજ અંકલેશ્વર DMMC ની ફાયર ટીમો સહિત 7 જેટલા ફાયર ફાઈટરો તાત્કાલિક ઘટનાસ્થળે ધસી ગયા હતા અને પાણી તેમજ ફોમનો મારો ચલાવી આગને વધુ પ્રસરતી અટકાવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. આગની લપેટમાં આવી જતાં પ્લાન્ટમાં ફરજ બજાવતા 3 શ્રમિકો દાઝી ગયા હતા. તેમને તાબડતોબ એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.પ્રોડક્શન પ્રક્રિયા દરમિયાન ટેકનિકલ ખામી સર્જાઈ હતી કે કોઈ રીએક્શનના કારણે બ્લાસ્ટ થયો તે અંગે હજુ સુધી સત્તાવાર કારણ સામે આવ્યું નથી.

ફેક્ટરી ઇન્સ્પેક્શન અને પોલીસ તંત્ર દ્વારા તપાસનો ધમધમાટ

સતત બીજા દિવસે ઔદ્યોગિક પંથકમાં લાગેલી આગને કારણે ડિરેક્ટોરેટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ (DISH), ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) અને સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે.કંપની પરિસરમાં ફાયર સેફ્ટીના સાધનો કાર્યરત હતા કે નહીં અને નિયત સુરક્ષા પ્રોટોકોલનું પાલન થતું હતું કે કેમ તે અંગે એજન્સીઓ દ્વારા ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે.ફાયર વિભાગ દ્વારા સૌપ્રથમ કેમિકલ સ્ટોરેજ ટેન્કો સુધી આગ ન પહોંચે તે માટે કૂલિંગ ઓપરેશન યુદ્ધના ધોરણે ચલાવવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો: Valsad: સુજસ લેધર કંપનીમાં અચાનક આગ ભભૂકી, 10 થી વધુ ફાયર ફાઈટરોએ સવાર સુધીમાં આગ પર મેળવ્યો કાબૂ