દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લા હેઠળ આવતા ઔદ્યોગિક વિસ્તાર ઉમરગામ તાલુકાના સરીગામ GIDC માંથી મોડી રાત્રે એક ભયાનક અગ્નિકાંડની ઘટના સામે આવી છે. સરીગામ GIDC સ્થિત જાણીતી ‘સુજસ લેધર’ નામની ઉત્પાદક કંપનીમાં અગમ્ય કારણોસર અચાનક ભીષણ આગ ભભૂકી ઊઠી હતી. લેધર અને કેમિકલ સંબંધી જ્વલનશીલ મટીરિયલ હોવાને કારણે આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આખી ફેક્ટરી પરિસરને પોતાના ભરડામાં લઈ લીધું હતું. ફેક્ટરીમાંથી ધુમાડાના કાળા ડિબાંગ વાદળો અને તોતિંગ જ્વાળાઓ નીકળતી જોઈને આસપાસની અન્ય કંપનીઓના કર્મચારીઓ અને સ્થાનિકોમાં ભારે દોડધામ અને નાસભાગ મચી ગઈ હતી.

5ટીમો અને 10 થી વધુ ફાયર ફાઈટરોની કલાકો સુધી જહેમત

આગ અત્યંત ઝડપથી પ્રસરી રહી હોવાથી તાત્કાલિક મેજર ફાયર કોલ જાહેર કરવામાં આવ્યો હતો. ઉમરગામ, સરીગામ, વાપી GIDC તેમજ વાપી મહાનગરપાલિકા ના અગ્નિશામક દળની 5 જેટલી સંયુક્ત ટીમો ઘટનાસ્થળે બોલાવી લેવાઈ હતી.10 થી પણ વધુ ફાયર ટેન્ડરો અને ફોર્મ ટેન્ડરો મારફતે સતત કલાકો સુધી પાણી અને કેમિકલ ફોર્મનો મારો ચલાવવામાં આવ્યો હતો. આખી રાત ચાલેલી ભારે જહેમત બાદ વહેલી સવારે આગ સંપૂર્ણપણે કાબૂમાં આવી શકી હતી.આગ એટલી ભીષણ હતી કે સુજસ લેધર કંપનીનો આખો પ્લાન્ટ, ગોડાઉન, અંદર રહેલો કરોડો રૂપિયાનો કાચો માલ, મશીનરી અને તૈયાર લેધરનો જથ્થો બળીને રાખ થઈ ગયો હતો.

સદનસીબે કોઈ જાનહાનિ નહીં

રાત્રિનો સમય હોવાથી અને આગ લાગતાં જ અંદર હાજર કર્મચારીઓ સમયસૂચકતા વાપરીને બહાર દોડી આવ્યા હોવાથી કોઈ જાનહાનિ નોંધાઈ નથી, જેથી તંત્રએ મોટો રાહતનો શ્વાસ લીધો છે.ઘટનાની જાણ થતાં જ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) ની ટીમ, જિલ્લા ડિઝાસ્ટર-ઇમરજન્સી મેનેજમેન્ટ ગ્રૂપ તેમજ સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જોકે આગ લાગવાનું સત્તાવાર કારણ હજુ અકબંધ છે. ફાયર વિભાગ અને પોલીસ દ્વારા કુલિંગ પ્રક્રિયા પૂર્ણ કરી આગના ચોક્કસ કારણો અને થયેલા આર્થિક નુકસાનની વિગતો મેળવવા તપાસ તેજ કરાઈ છે.

આ પણ વાંચો: Ahmedabad: તહેવારો ટાણે ગુજરાતમાં દિલ્હીથી મહાનુભાવનું આગમન! અમિત શાહ 7 તારીખે આવશે અમદાવાદ