પ્રકાશના પર્વ દિવાળી અને નૂતન વર્ષના તહેવારોની ઉજવણી વચ્ચે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ પોતાના વતન ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. નિર્ધારિત કાર્યક્રમ મુજબ અમિત શાહ આગામી ૭ નવેમ્બરની મોડી રાત્રે અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચશે. તેઓ પરંપરાગત રીતે દિવાળીનો તહેવાર અમદાવાદ સ્થિત પોતાના પરિવાર સાથે મનાવશે.
તહેવારોની ઉજવણી કેન્દ્રીય ગૃહ મંત્રી ગુજરાતના પ્રવાસે
પારિવારિક ઉજવણીની સાથોસાથ તેઓ અમદાવાદ અને ગાંધીનગર સંસદીય વિસ્તારના વિકાસ કાર્યોને વેગ આપવા માટે વિવિધ સરકારી અને જાહેર કાર્યક્રમોમાં પણ ઉપસ્થિત રહેશે. ખાસ કરીને 9 નવેમ્બરના રોજ અમદાવાદના વ્યસ્ત એસ.જી. હાઈવે પર નવા બનેલા એલિવેટેડ બ્રિજ સહિત કુલ ચાર મહત્વકાંક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તે સંપન્ન કરવામાં આવશે.
એસ.જી. હાઈવે એલિવેટેડ બ્રિજ સહિત 4 મહત્વના લોકાર્પણ-ખાતમુહૂર્ત
7 નવેમ્બર મોડી રાત્રે અમદાવાદ ખાતે સત્તાવાર આગમન થશે.દિવાળીનો પવિત્ર તહેવાર તેઓ પરિવારજનો સાથે પોતાના નિવાસસ્થાને ઉજવશે.9 નવેમ્બર (વિકાસ કાર્યો): શહેરના સૌથી મહત્વના માર્ગ એવા એસ.જી. હાઈવે પર ટ્રાફિકની સમસ્યા હળવી કરતા નવા એલિવેટેડ બ્રિજનું લોકાર્પણ કરશે. આ ઉપરાંત અન્ય ત્રણ મળીને કુલ ૪ વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન થશે. વિકાસ કાર્યોના લોકાર્પણ વેળાએ એક વિશાળ જાહેર સભા યોજવા અંગે પણ સંગઠન અને વહીવટી તંત્ર દ્વારા સ્થળ નિરીક્ષણ અને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. નૂતન વર્ષ (બેસતા વર્ષ) ના શુભ દિવસે અમિત શાહ પોતાના નિવાસસ્થાને પરંપરાગત સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરશે, જેમાં ભાજપના પદાધિકારીઓ, કાર્યકરો અને શુભેચ્છકો સાથે નવા વર્ષની શુભકામનાઓનું આદાન-પ્રદાન કરશે.
આ પણ વાંચો: Gandhinagar: ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા CCE વર્ગ-3 ની 1137 જગ્યાઓ પર મેગા ભરતી જાહેર, 5 નવેમ્બરથી ભરાશે ફોર્મ!