ભરૂચ જિલ્લાના અંકલેશ્વર-વાલિયા રોડ પર માર્ગની ચાલી રહેલી કામગીરી દરમિયાન અચાનક ગુજરાત ગેસની મુખ્ય લાઇનમાં ભંગાણ સર્જાવાની મોટી ઘટના સામે આવી છે. રોડ કન્સ્ટ્રક્શનના કામ વખતે લાઇન તૂટી જવાથી ભારે પ્રેશર સાથે ગેસ બહાર ફુવારાની જેમ ઉડવા લાગ્યો હતો, જેને કારણે આસપાસના વિસ્તારમાં ભારે દોડધામ મચી ગઈ હતી, અને ભયનો માહોલ છવાઈ ગયો હતો.
ફાયર વિભાગ અને કંપનીના અધિકારીઓની ત્વરિત કાર્યવાહી
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તુરંત જ ડીપીએમસીના ફાયર ફાયટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ફાયર જવાનોએ ભારે જહેમત અને સતર્કતા દાખવીને પરિસ્થિતિ પર સફળતાપૂર્વક કાબુ મેળવ્યો હતો. આ ઉપરાંત, અકસ્માત અને જોખમની શક્યતાને જોતા ગુજરાત ગેસ કંપનીના ઉચ્ચ અધિકારીઓ પણ તાત્કાલિક કાફલા સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ગેસ સપ્લાય બંધ કરી સ્થિતિ થાળે પાડી હતી.

