દક્ષિણ ગુજરાતમાં સહકારી માળખાની કરોડરજ્જુ ગણાતા ખાંડ ઉદ્યોગ પર સંકટના વાદળો વધુ ઘેરા બન્યા છે. ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના વટારિયા ખાતે આવેલી સુપ્રસિદ્ધ ‘શ્રી ગણેશ સુગર ફેક્ટરી’ ની આર્થિક સ્થિતિ કથળતાં આખરે તેની સ્થાવર અને જંગમ મિલકતો વેચી નાખવાની નોબત આવી છે. ફેક્ટરીની અંદાજે રૂપિયા 186.48 કરોડની કિંમતની 46.03 હેક્ટર જમીન, પ્લાન્ટ તેમજ મશીનરીની આગામી 18 નવેમ્બરે ઈ-હરાજી (e-Auction) યોજવા માટેની સત્તાવાર જાહેર નોટિસ પ્રસિદ્ધ થતાં જ સમગ્ર જિલ્લાના સહકારી અને રાજકીય ક્ષેત્રમાં મોટો ભૂકંપ આવ્યો છે. હજારો શેરડી પકવતા સભાસદ ખેડૂતોમાં પોતાની મૂડી અને રોજીરોટી છીનવાઈ જવાની દહેશત વ્યાપી ગઈ છે.

46 હેક્ટર જમીન અને પ્લાન્ટ-મશીનરીની 18 નવેમ્બરે ઈ-હરાજી

વટારિયા સ્થિત શ્રી ગણેશ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લિ. ની માલિકીની કુલ 46.03 હેક્ટર જેટલી વિશાળ જમીન, મુખ્ય ફેક્ટરી પરિસર, મશીનરી અને સમગ્ર પ્રોસેસિંગ પ્લાન્ટને હરાજીમાં મૂકવામાં આવ્યા છે. આ તમામ અસ્કયામતોની અપસેટ પ્રાઈઝ (અંદાજિત મૂલ્ય) રૂપિયા 186.48 કરોડ નક્કી કરવામાં આવી છે.લેણદારો અને નાણાકીય સંસ્થાઓ દ્વારા ધિરાણ વસૂલાત અર્થે આ ઈ-હરાજી આગામી 18 નવેમ્બરના રોજ યોજવાનો નિર્ણય લેવાયો છે.

કોંગ્રેસ આગેવાન સંદીપ માંગરોળાના કસ્ટોડિયન કમિટી પર આકરા પ્રહાર

ફેક્ટરીના પૂર્વ ચેરમેન અને વરિષ્ઠ કોંગ્રેસ નેતા સંદીપ માંગરોળાએ વર્તમાન વ્યવસ્થા સામે મોરચો માંડ્યો છે. ચૂંટણી ન કરાવવાનો આરોપ: તેમણે દાવો કર્યો કે વર્ષ 2020માં મુદત પૂર્ણ થયા છતાં લોકશાહી ઢબે ચૂંટણી યોજવાને બદલે સરકારે પોતાના પક્ષના માનીતા આગેવાનોની કસ્ટોડિયન કમિટી નીમીને સત્તા સોંપી દીધી હતી. કસ્ટોડિયન કમિટીના અણઘડ અને ગેરવહીવટના કારણે સંસ્થાને દર વર્ષે ₹20 થી ₹25 કરોડનું તોતિંગ નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.સતત નુકસાનીના પરિણામે ફેક્ટરી બેંકો અને સંસ્થાઓ પાસેથી લીધેલા ધિરાણના નિયમિત હપ્તા પણ ચૂકવી શકી નથી, જેના પરિણામે આજે હરાજીની શરમજનક સ્થિતિ પેદા થઈ છે. આ મામલે ખેડૂત આગેવાન રાજુ વસાવાએ પણ રોષ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, જો સરકાર સાચે જ આદિવાસી અને સ્થાનિક ખેડૂતોનું હિત ઈચ્છતી હોય તો તાત્કાલિક ધોરણે સુગર ફેક્ટરીની મુક્ત ચૂંટણી જાહેર કરવી જોઈએ.

‘₹36 કરોડ માટે ₹186 કરોડની મિલકતની હરાજી ન થઈ શકે’

આક્ષેપો સામે કસ્ટોડિયન કમિટીના ચેરમેન મહેન્દ્રસિંહ મહિડાએ ખુલાસો કર્યો છે.તેમણે વિપક્ષ અને પૂર્વ હોદ્દેદારોના તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવી ફગાવી દીધા હતા.ચેરમેને સ્પષ્ટતા કરી કે સંસ્થા પર માત્ર આશરે ₹36 કરોડની બાકી રકમ છે. માત્ર આટલી રકમ માટે ₹186 કરોડથી વધુની વિશાળ અસ્કયામતોની હરાજી થઈ શકે નહીં.તેમણે જણાવ્યું કે આ નોટિસ સામે સરકારમાં ઉચ્ચ સ્તરે રજૂઆતો કરી દેવામાં આવી છે અને જરૂરી કાનૂની પગલાં ભરવામાં આવી રહ્યા છે.ચેરમેને સભાસદ ખેડૂતોને કોઈપણ પ્રકારની અફવાઓથી ગભરાયા વગર ધીરજ રાખવા અપીલ કરી છે.

આ પણ વાંચો: Sandesh Digital Explainer: ‘ડી-કંપની’ કરતાં પણ ઘાતક મોડલ; સલમાનથી શરૂ થયેલી લોરેન્સ ગેંગની દહેશત માયાનગરીમાં કેમ વધી રહી છે?