ભરૂચના પોશ ગણાતા વિસ્તારમાં આવેલી રામેશ્વર પાર્ક સોસાયટીમાં એક હૃદયદ્રાવક ઘટના ઘટી છે, જેમાં એક જવાબદાર અને ઉચ્ચ કક્ષાના સરકારી અધિકારીએ આર્થિક સંકટના કારણે આત્મહત્યા જેવું આત્યંતિક પગલું ભરી લીધું છે. ભરૂચ જિલ્લાના આયોજન ભવનમાં ક્લાસ વન અધિકારી તરીકે પ્રતિષ્ઠિત ફરજ બજાવતા પિયુષ ઉકાણીએ પોતાના ઘરમાં દોરી વડે ગળેફાંસો ખાઈને જીવનલીલા સંકેલી લીધી છે. આ ઘટનાની જાણ વાયુવેગે સરકારી વર્તુળોમાં પ્રસરતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો સ્ટાફ સ્તબ્ધ થઈ ગયો છે.
ક્લાસ વન અધિકારીએ આપઘાત કર્યો
ઘટનાની જાણ થતાં જ ભરૂચ લોકલ પોલીસનો કાફલો તાત્કાલિક રામેશ્વર પાર્ક સોસાયટી ખાતેના ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે પ્રાથમિક પંચનામું કરીને તપાસ શરૂ કરતા મૃતક પિયુષ ઉકાણીના રૂમમાંથી એક ચિઠ્ઠી હસ્તગત કરી હતી. આ ચિઠ્ઠી વાંચતા જ પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. ચિઠ્ઠીમાં સ્પષ્ટ શબ્દોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તેઓ અલગ-અલગ બેંકોની લોન અને ક્રેડિટ કાર્ડના ભારે દેવાના બોજ હેઠળ દબાયેલા હતા. આ આર્થિક બોજ અને તેના માનસિક તણાવને સહન ન કરી શકવાના કારણે તેઓ આ આપઘાતનું પગલું ભરી રહ્યા છે.
