ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લાના હારીજ શહેરમાંથી વહીવટી તંત્રની કામગીરી અને ડિજિટલ ડેટાની સુરક્ષા સામે ગંભીર સવાલો ઉભા કરતો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. હારીજ તાલુકા મથકે વર્ષોથી અસ્તિત્વ ધરાવતા અને સરકારી ચોપડે નોંધાયેલા ‘ઝાપટપુરા’ વિસ્તારનું નામ અચાનક જ બદલાઈ ગયું છે. સ્થાનિક રહીશોના રાશનકાર્ડ અને અન્ય ઓળખ પત્રોમાં સરનામાના સ્થાને ‘ઝાપટપુરા’ ને બદલે ‘ઇસ્લામપુરા’ લખાઈને આવતા સમગ્ર પંથકમાં ભારે આશ્ચર્ય અને વિવાદ સર્જાયો છે.
હારીજમાં સરકારી દસ્તાવેજો મુદ્દે મોટો વિવાદ
મળતી માહિતી અનુસાર, તાજેતરમાં સરકાર દ્વારા રાશનકાર્ડ ધારકો માટે ફરજિયાત કે.વાય.સી. (KYC) ની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ પ્રક્રિયા દરમિયાન જ્યારે સ્થાનિક રહીશોએ ઓનલાઇન ડેટા અપડેટ કરાવ્યો, ત્યારે સોફ્ટવેર જનરેટેડ નવા સરનામામાં ‘ઝાપટપુરા’ ગાયબ થઈ ગયું હતું અને તેના સ્થાને જેનું કોઈ ભૌગોલિક અસ્તિત્વ જ નથી તેવું ‘ઇસ્લામપુરા’ નામ છપાઈને બહાર આવ્યું હતું. એટલું જ નહીં, સ્થાનિકોના અન્ય સરકારી દસ્તાવેજોમાં પણ આ જ નવું નામ લખાવા માંડતા લોકો ચોંકી ઉઠ્યા હતા.

તંત્રની ગંભીર બેદરકારી કે ટેકનિકલ કાવતરું?
કોઈપણ વિસ્તારનું સત્તાવાર નામ બદલવા માટે સ્થાનિક નગરપાલિકા કે પંચાયતનો ઠરાવ, વહીવટી મંજૂરી અને રાજ્ય સરકારનું સત્તાવાર ગેજેટ પ્રસિદ્ધ કરવું અનિવાર્ય હોય છે. આ તમામ કાયદાકીય પ્રક્રિયાઓ થઈ ન હોવા છતાં આખા વિસ્તારનું નામ સરકારી રેકોર્ડમાં કેવી રીતે બદલાઈ ગયું તે એક મોટો રહસ્યમય સવાલ છે. સ્થાનિક રહીશોએ આક્રોશપૂર્વક આક્ષેપ કર્યો છે કે આ કોઈ સામાન્ય ટેકનિકલ ભૂલ નથી, પરંતુ કોઈ ચોક્કસ તત્વોના દોરીસંચાર અને મેલી મુરાદ હેઠળ વિસ્તારની અસલ ઓળખ ભૂંસી નાખવાનું કાવતરું હોઈ શકે છે. હાલમાં આ મુદ્દો હારીજ શહેરમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે. રહીશોએ ચીમકી ઉચ્ચારી છે કે જો વહીવટી તંત્ર દ્વારા આ મામલે તાકીદે તપાસ કરીને તમામ દસ્તાવેજોમાં મૂળ નામ ‘ઝાપટપુરા’ પુનઃ સ્થાપિત કરવામાં નહીં આવે, તો તેઓ ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવશે.
કલેક્ટરે વહીવટી તંત્રને કામે લગાડ્યું
હારીજ તાલુકા મથકના વોર્ડ નંબર 4 માં આવેલા વર્ષો જૂના વિસ્તારના નામમાં સરકારી ચોપડે થયેલી કથિત ફેરબદલનો મામલો હવે વધુ ગરમાયો છે. રાશનકાર્ડની કે.વાય.સી. (KYC) પ્રક્રિયા દરમિયાન સ્થાનિક લોકોના રેકોર્ડમાં ‘ઝાપટપુરા’ ના સ્થાને ‘ઇસ્લામપુરા’ લખાઈને આવતા ફાટી નીકળેલા જનઆક્રોશમાં હવે હિન્દુ સંગઠનો પણ કૂદી પડ્યા છે. જેને પગલે પાટણ જિલ્લાના એડિશનલ ડિસ્ટ્રિક્ટ કલેક્ટરે સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાને લઈ વહીવટી તંત્રને કામે લગાડ્યું છે.
મામલતદાર કચેરીએ સૂત્રોચ્ચાર
ગઈકાલે વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને બજરંગદળના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક રહીશોએ હારીજ મામલતદાર કચેરી ખાતે પહોંચીને ભારે સૂત્રોચ્ચાર સાથે આવેદન પત્ર સુપ્રત કર્યું હતું. સંગઠનોએ આક્ષેપ કર્યો હતો કે સ્થાનિક વહીવટી તંત્ર પાયાની હકીકતથી અજાણ હોવાનો ઢોંગ કરી રહ્યું છે અને કોઈ ચોક્કસ ષડયંત્રના ભાગરૂપે આ વિસ્તારની ઓળખ બદલવાનો પ્રયાસ થયો છે. હિન્દુ સંગઠનોની આ ઉગ્ર રજૂઆત અને જનતાના આક્રોશના ઘેરા પ્રત્યાઘાત કલેક્ટર કચેરી સુધી પડ્યા હતા.
ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ અને અહેવાલની માગ
વિવાદ વધતાં પાટણના એડિશનલ ડિસ્ટ્રિક્ટ કલેક્ટરે આ મામલે મોટું સત્તાવાર નિવેદન આપ્યું છે. તેમણે તાત્કાલિક અસરથી સમીના પ્રાંત અધિકારી (SDM) અને હારીજના સ્થાનિક મામલતદારને આ વિવાદ અંગે સંયુક્ત તપાસ કરવાના કડક આદેશ આપ્યા છે. કલેક્ટર કચેરી દ્વારા સૂચના આપવામાં આવી છે કે, કોઈપણ અધિકૃત ઠરાવ વિના સરકારી કમ્પ્યુટર સોફ્ટવેરમાં આ નામ કેવી રીતે દાખલ થયું, તેની નિયમ મુજબ ઊંડાણપૂર્વક ખરાઈ કરવામાં આવે. આ સાથે જ આ સમગ્ર કૌભાંડ કે બેદરકારી પાછળ કોણ જવાબદાર છે તેનો એક સંપૂર્ણ વિગતવાર અહેવાલ વહેલી તકે કલેક્ટર કચેરી સમક્ષ રજૂ કરવાનો આદેશ કરાયો છે. કલેક્ટરે સ્થાનિકોને ખાતરી આપી છે કે નિયમોની ચકાસણી કરીને રહીશોની માંગણી મુજબ સરનામું તાત્કાલિક સુધારી દેવા માટે ઘટતી કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો: Valsad: સાંસદના લેટરપેડ અને બોગસ Email બનાવી ઠગાઈ કરનાર બંગાળી શખ્સ અમદાવાદથી ઝડપાયો

