ગુજરાતના રાજકીય વર્તુળો અને ઉચ્ચ વહીવટી તંત્રને ચોંકાવી દેતી એક ગંભીર સાયબર છેતરપિંડીની ઘટના વલસાડ જિલ્લામાં સામે આવી છે. વલસાડ-ડાંગ સંસદીય મતવિસ્તારના સાંસદ ધવલ પટેલના નામે કોઈ અજ્ઞાત શખ્સ નકલી દસ્તાવેજોના આધારે સરકારી વિભાગો અને બેંકોમાં ભલામણો મોકલી રહ્યો હોવાની શંકા જતાં વલસાડ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં વિધિવત ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. સાયબર પોલીસે આઇપી (IP) એડ્રેસ અને ટેકનિકલ લોકેશન ટ્રેસ કરતાં આ આખું કૌભાંડ અમદાવાદથી ઓપરેટ થઈ રહ્યું હોવાનું ખુલ્યું હતું. વલસાડ પોલીસે તાત્કાલિક એક ટીમ અમદાવાદ રવાના કરી ઇસનપુર વિસ્તારમાંથી પ્રતિક પ્રદુતકુમાર દે નામના શખ્સને દબોચી લીધો હતો, જે મૂળ પશ્ચિમ બંગાળનો વતની છે.
SBI ચેરમેન સુધી પહોંચ્યા નકલી પત્રો
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં બહાર આવેલી વિગતો અનુસાર, આરોપી પ્રતિક દે અત્યંત શાતિર મગજ ધરાવે છે. તેણે સાંસદ ધવલ પટેલના નામે આબેહૂબ દેખાતું નકલી લેટરપેડ કમ્પ્યુટર પર ડિઝાઇન કર્યું હતું અને સાંસદના હોદ્દાનો ખોટો રબર સ્ટેમ્પ (સિક્કો) બનાવી નકલી સહીઓ પણ કરી હતી. આટલેથી ન અટકતા, તેણે સાંસદના ઓફિશિયલ આઇડી જેવું જ લાગતું ગેરમાર્ગે દોરનારું નકલી ઇ-મેઇલ આઇડી બનાવ્યું હતું. આ ઇ-મેઇલ અને નકલી ભલામણ પત્ર તેણે સીધો જ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) ના ચેરમેનને મોકલી આપીને બેંકિંગ સ્તરે મોટું કામ કઢાવવાનો કે આર્થિક લાભ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.
