ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના દોરા ગામમાં આજે તે સમયે ભારે અફરાતફરી અને ફફડાટનો માહોલ સર્જાયો હતો. જ્યારે ગામની મધ્યમાં આવેલી બેંક નજીક એક 10થી 12 ફૂટ લાંબો મહાકાય મગર અચાનક આવી ચઢ્યો હતો. રહેણાંક વિસ્તાર અને ગામના મુખ્ય ભાગમાં જ આટલો મોટો મગર દેખાતાં જ આ વાત વાયુવેગે સમગ્ર ગામમાં પ્રસરી ગઈ હતી અને ગ્રામજનોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. સ્થાનિકોએ સમયસૂચકતા વાપરીને તાત્કાલિક વન વિભાગને આ અંગે જાણ કરી હતી.
મહાકાય મગરને સુરક્ષિત રીતે કાબૂમાં કરી લેવાયો
આર.એફ.ઓ. (RFO) અને વન વિભાગની સૂચના તથા માર્ગદર્શન હેઠળ 'નેચર સેવિંગ ફાઉન્ડેશન'ના અંકિતભાઈ પરમાર તેમજ જીવદયા કાર્યકરો ધનસુખભાઈ પરમાર અને હેમંતભાઈ મકવાણા સહિતની ટીમ ત્વરિત ઘટનાસ્થળે દોડી આવી હતી.ગામની મધ્યમાં લોકોની ભીડ વચ્ચે મગરને સલામત રીતે કાબૂમાં લેવો એક મોટો પડકાર હતો. જોકે, નેચર સેવિંગ ફાઉન્ડેશનની ટીમે અત્યંત સાવચેતીપૂર્વક અને પ્રોફેસનલ રીતે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. ભારે જહેમત અને મથામણ બાદ 10થી 12 ફૂટ લાંબા આ મહાકાય મગરને સુરક્ષિત રીતે કાબૂમાં લઈ લેવામાં આવ્યો હતો.
