ભરૂચ જિલ્લાના દહેજ વિસ્તારમાંથી એક હૃદયદ્રાવક અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. દહેજ રિલાયન્સ ગેટ નંબર 4 નજીક પૂરઝડપે આવી રહેલા ટેન્કરે બાઈક સવાર દંપતીને અડફેટે લીધું હતું. આ અકસ્માતમાં ગંભીર ઇજાઓના કારણે મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જેના કારણે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
ડોક્ટર દંપતી જઈ રહ્યું હતું બાઈક પર સવાર થઈને
પ્રાપ્ત વિગતો અનુસાર, અકસ્માતનો ભોગ બનેલા આ દંપતી વ્યવસાયે ડૉક્ટર છે, અને તેઓ પોતાની બાઈક પર સવાર થઈને જઈ રહ્યા હતા. આ દરમિયાન ટેન્કર ચાલકે બેદરકારીપૂર્વક વાહન ચલાવીને બાઈકને ટક્કર મારી હતી અને મહિલાને કચડી નાખી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે મહિલાએ ક્ષણભરમાં જ દમ તોડી દીધો હતો.
પતિની નજર સામે જ પત્નીએ ગુમાવ્યો જીવ
આ દુર્ઘટનામાં સૌથી વધુ હૃદયદ્રાવક બાબત એ રહી કે મૃતક મહિલાના પતિની નજર સામે જ તેમની પત્નીનું મોત નીપજ્યું હતું. પોતાની જ આંખો સામે જીવનસંગિનીને ગુમાવી દેનારા પતિની હાલત અત્યંત દયનીય બની ગઈ છે. મૃતક મહિલાની ઓળખ બિંદુદેવી સંજુ મિશ્રા તરીકે થઈ છે.

ટેન્કર મૂકીને ચાલક ફરાર, પોલીસ તપાસ શરૂ
ઘટનાની જાણ થતાં જ દહેજ પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અકસ્માત સર્જ્યા બાદ ટેન્કર ચાલક પોતાનું વાહન ઘટના સ્થળે જ મૂકીને નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડીને ફરાર ટેન્કર ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવીને વધુ તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો: Bharuch: બેઠકમાં દાંડલી મારનારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ સામે સંગઠન એક્શન મોડમાં, નોટિસ જારી થતાં પક્ષમાં ખળભળાટ