ભરૂચ જિલ્લામાં પસાર થતા એક્સપ્રેસવે પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. સુરતનો એક પરિવાર દ્વારકાધીશના દર્શન કરીને પવિત્ર યાત્રા પૂર્ણ કરી અત્યંત ખુશી-ખુશી પોતાના ઘરે પરત ફરી રહ્યો હતો. આ દરમિયાન ભરૂચ નજીક કાળમુખા અકસ્માતે આ હસતા-રમતા પરિવારની ખુશીઓને પળવારમાં માતમમાં ફેરવી નાખી છે. આ અકસ્માતમાં માતા અને તેના માસૂમ પુત્રનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે.
કેલોદ નજીક ઊભેલા ટ્રેલર પાછળ ઘૂસી ગઈ ઈકો કાર
મળતી માહિતી મુજબ, આ ગંભીર અકસ્માત ભરૂચના કેલોદ ગામ નજીકથી પસાર થતા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર સર્જાયો હતો. સુરતનો આંબલીયા પરિવાર પોતાની કાર લઈને પસાર થઈ રહ્યો હતો, ત્યારે એક્સપ્રેસવે પર ઊભેલા એક વિશાળ ટ્રેલર પાછળ ઈકો કાર ધડાકાભેર ઘૂસી ગઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે, કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે ચકનાચૂર થઈ ગયો હતો અને કાર જાણે પતરાના ડબ્બાની જેમ વળી ગઈ હતી.
માતા ગીતાબેન અને 12 વર્ષીય ચિંતનનું મોત
આ ગોઝારા અકસ્માતની તીવ્રતા એટલી વધારે હતી કે, કારમાં સવાર માતા ગીતાબેન આંબલીયા અને તેમના 12 વર્ષીય પુત્ર ચિંતન આંબલીયાને ગંભીર ઈજાઓ પહોંચતા બંનેના પ્રાણ પંખેરૂ ઉડી ગયા હતા. એક જ પરિવારના બે કમનસીબ સભ્યોના મોતના સમાચાર મળતા જ સુરતમાં રહેતા તેમના સગા-સંબંધીઓમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
અન્ય ઈજાગ્રસ્તોને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા
અકસ્માતની આ ઘટનાને પગલે હાઈવે પરથી પસાર થતા અન્ય વાહનચાલકો અને સ્થાનિક લોકો તાત્કાલિક બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા. આ અકસ્માતમાં કારમાં સવાર અન્ય સભ્યોને પણ નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને સૌપ્રથમ 108 મારફતે ભરૂચ સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારી સારવાર માટે તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે.
ભરૂચ તાલુકા પોલીસે તપાસ શરૂ કરી
ઘટનાની જાણ થતા જ ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે અને હોસ્પિટલ ખાતે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહોને કબ્જે લઈ પોસ્ટ મોર્ટમ અર્થે મોકલી આપ્યા છે. આ સાથે જ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને એક્સપ્રેસવે પર ટ્રેલર કેવી પરિસ્થિતિમાં ઊભું હતું અને અકસ્માત પાછળ કોની બેદરકારી છે, તે દિશામાં કાયદેસરની વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો - Bharuch News: વરસાદની અછત વચ્ચે ખેડૂતો માટે મોટા રાહતના સમાચાર, મુખ્ય નર્મદા કેનાલમાં છોડાયું પાણી