ભરૂચ જિલ્લામાં નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરતી હોટલો અને ખાદ્ય પ્રતિષ્ઠાન સામે ખોરાક અને ઔષધ નિયમન વિભાગ દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. 'ઓપરેશન હેલ્થ' અભિયાન અંતર્ગત ભરૂચ જિલ્લામાં છેલ્લા 3 દિવસ દરમિયાન નેશનલ હાઈવે 48 પર આવેલી કુલ 45 હોટલો અને રેસ્ટોરન્ટમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ઝુંબેશના કારણે હાઈવે પર ખાણીપીણીની ચીજવસ્તુઓ વેચતા સંચાલકોમાં ભારે દોડધામ મચી ગઈ હતી.
18 હોટલોને સુધારા નોટિસ અને 3 હોટેલ પર સેલ્ફ ક્લોઝર
તપાસ દરમિયાન મોટાભાગની હોટલોમાં ફૂડ સેફ્ટી અને હાઈજીનને લગતી ગંભીર બેદરકારીઓ સામે આવી હતી. ફૂડ સેફ્ટીની પ્રવર્તમાન શરતો અને જોગવાઈઓનું યોગ્ય પાલન ન કરનાર કુલ 18 હોટલોને વિભાગ દ્વારા કાયદેસરની સુધારા નોટિસ ફટકારવામાં આવી છે.
આ ઉપરાંત, ગંભીર અનિયમિતતાઓ અને અસ્વચ્છતાને ધ્યાનમાં રાખીને 3 હોટેલોને સેલ્ફ ક્લોઝર આપીને તાત્કાલિક અસરથી બંધ કરાવી દેવામાં આવી છે. વિભાગ દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે, જ્યાં સુધી નિયમોની પૂરતી જાળવણી અને સુધારણા કરવામાં નહીં આવે ત્યાં સુધી આ હોટલો બંધ રહેશે.

62 કિલો બિનરોગ્યપ્રદ ખોરાકનો સ્થળ પર જ નાશ
આ ઓપરેશન દરમિયાન હોટલોના કિચનમાં સંગ્રહિત કરવામાં આવેલો વાસી, બગડેલો અને ગ્રાહકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક એવો કુલ 62 કિલો બિનરોગ્યપ્રદ ખોરાક જપ્ત કરવામાં આવ્યો હતો. જનઆરોગ્યની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ અખાદ્ય અને વાસી ખોરાકનો જગ્યા પર જ નાશ કરવામાં આવ્યો હતો.

આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટ અંગે સ્પષ્ટ બોર્ડ લગાવવા આદેશ
આ તપાસ અભિયાનમાં ગ્રાહકો સાથે થતી થિયરીઓ કે ગેરસમજ અટકાવવા માટે પણ વિશેષ સૂચનાઓ આપવામાં આવી છે. જે હોટલો કે રેસ્ટોરન્ટમાં આઈસ્ક્રીમ વેચાય છે કે, પછી તેના જેવું જ દેખાતું પરંતુ વનસ્પતિ ફેટમાંથી બનતું “ફ્રોઝન ડેઝર્ટ” વેચવામાં આવે છે, તે ગ્રાહકો સ્પષ્ટપણે જોઈ શકે તે માટે યોગ્ય અને મોટા કદના બોર્ડ પ્રદર્શિત કરવા સંચાલકોને તાકીદ કરવામાં આવી છે.
આ પણ વાંચો: Bharuch : કસક સર્કલથી ઝાડેશ્વર ચોકડી સુધીના દબાણો હટાવવા ઝુંબેશ