ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકામાં આવેલી પ્રસિદ્ધ પંડવાઈ શુગર ફેક્ટરીની સામાન્ય ચૂંટણીમાં મતદાન યોજાય તે પહેલાં જ મંત્રી ઈશ્વરસિંહ પટેલની 'સહકાર પેનલ' એ પોતાનું વર્ચસ્વ સાબિત કરી દીધું છે. ફેક્ટરીની કુલ 16 ઝોનની બેઠકો પૈકી 14 ઝોનમાં મંત્રી ઈશ્વરસિંહ પટેલની સહકાર પેનલના ઉમેદવારો સામે અન્ય કોઈ ઉમેદવારી ન રહેતાં તેઓ બિનહરીફ વિજેતા જાહેર થયા હતા.
ભરૂચના સહકારી જગતમાં મોટી ખબર
14 બેઠકો પર બિનહરીફ જીત સુનિશ્ચિત થતાં જ મંત્રી ઈશ્વરસિંહ પટેલ ગાંધીનગરથી સીધા પંડવાઈ શુગર ફેક્ટરી ખાતે આવી પહોંચ્યા હતા. તેમના આગમન સાથે જ સહકારી જગતના અગ્રણીઓ અને સમર્થકો દ્વારા ફટાકડા ફોડીને અને ઈશ્વરસિંહ પટેલને ફૂલહાર પહેરાવીને જીતનો આગોતરો ભવ્ય વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે ભરૂચ જિલ્લાના સહકારી ક્ષેત્રના અનેક દિગ્ગજ આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. 16 માંથી 14 ઝોન બિનહરીફ થઈ જતાં હવે ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. બાકી રહેલી માત્ર 2 બેઠકો પર આગામી 5 સપ્ટેમ્બરના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
