દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેના લોકાર્પણની રાહ જોઈ રહેલા લાખો વાહનચાલકો અને મુસાફરો માટે ખુશીના સમાચાર આવ્યા છે. વડોદરા-મુંબઈ સેક્શન આગામી 31 ઓગસ્ટ, 2026 સુધીમાં ટ્રાફિક માટે ખુલ્લો મૂકવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે માહિતી આપતાં જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રમાં આ સમગ્ર વિભાગને 31 ઓગસ્ટ સુધીમાં ટ્રાફિક માટે ખુલ્લો મુકવાનું આયોજન છે.

વડોદરા-મુંબઈ એક્સપ્રેસવે પ્રેમીઓ માટે મોટા સમાચાર

હાલમાં ગુજરાતમાં વડોદરાથી ભરૂચ સહિતના કેટલાક વિભાગો પહેલાથી જ કાર્યરત થઈ ચૂક્યા છે. આ નવો પટ્ટો શરૂ થવાથી વડોદરા અને મુંબઈ વચ્ચેનો મુસાફરીનો સમય હાલના 8 કલાકથી ઘટીને સીધો 4 કલાક થઈ જશે. જોકે, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) દ્વારા આ અંગેની અંતિમ સત્તાવાર તારીખની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે.

વડોદરાથી મુંબઈની સફર માત્ર 4 કલાકમાં

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ છે. 157 કિલોમીટર લાંબો મુંબઈ-વડોદરા પટ્ટો આશરે 24,000 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી રહ્યો છે. મહારાષ્ટ્રમાં આ સેક્શન હેઠળ આવતા 7 બાંધકામ પેકેજોમાંથી 5 પેકેજનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે અને બાકીનું કામ પણ આખરી ઓપમાં છે.

એક્સપ્રેસવે 5 રાજ્યોને જોડશે

8-લેનનો આ 1,400 કિલોમીટર લાંબો એક્સેસ-કંટ્રોલ્ડ એક્સપ્રેસવે હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્ર એમ પાંચ રાજ્યોને સાંકળે છે.આ રૂટ જવાહરલાલ નેહરુ પોર્ટ ઓથોરિટી (JNPA) ને દિલ્હી-NCR અને ગુજરાતના મુખ્ય ઔદ્યોગિક કેન્દ્રો સાથે સીધો જોડશે. સંપૂર્ણ એક્સપ્રેસવે કાર્યરત થતાં દિલ્હીથી મુંબઈ સુધીનું અંતર કાર દ્વારા માત્ર 12 કલાકમાં પૂર્ણ કરી શકાશે.

આ પણ વાંચો: Ahmedabad: ઘરેલુ હિંસાના કેસમાં 15 વર્ષથી ફરાર આરોપી શૈલેષ પટેલ ઈસનપુરથી ક્રાઈમ બ્રાન્ચના સકંજામાં