ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં માનવતાને શરમાવે તેવી અત્યંત ગંભીર ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. કાવી પોલીસ મથકની હદમાં આવેલા એક ગામમાં 64 વર્ષીય વૃદ્ધા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાતા સ્થાનિક વિસ્તારમાં ભારે રોષ અને ચિંતાની લાગણી ફેલાઈ છે. આ ઘટનામાં ગામના જ બે યુવકો સંડોવાયેલા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે, જેમાં એક યુવક સામે વૃદ્ધા સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરવાનો અને અન્ય યુવક સામે છેડતી કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

માનવતાને શરમાવે તેવી અત્યંત ગંભીર ઘટના

પ્રાપ્ત વિગતો અનુસાર, વૃદ્ધા પોતાના મકાનના વાડામાં તડકામાં બેઠાં હતાં, તે દરમિયાન ગામના જ બે યુવકો ત્યાં આવી પહોંચ્યા હતા. પોલીસ ફરિયાદ મુજબ, બંને પૈકી એક યુવકે વૃદ્ધાની છેડતી કરી હતી, જ્યારે બીજા યુવકે વૃદ્ધા સાથે બળજબરી કરીને દુષ્કર્મ આચર્યું હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ઘટનાની ગંભીરતા એટલી હદે હતી કે દુષ્કર્મ દરમિયાન વૃદ્ધાને રક્તસ્રાવ થતાં તેઓ બેભાન થઈ ગયાં હતાં.

કાવી પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા

આ સમગ્ર બનાવ બાદ વૃદ્ધાએ હિંમત દાખવીને કાવી પોલીસ મથકનો સંપર્ક કર્યો હતો અને પોતાની સાથે બનેલી ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે કાવી પોલીસે બંને યુવકો વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની તપાસ શરૂ કરી છે. બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વિભાગીય પોલીસ અધિક્ષક (DySP) પી.એલ. ચૌધરીના માર્ગદર્શન હેઠળ કાવી પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યાં છે અને આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરાયા છે. 64 વર્ષીય વૃદ્ધા સાથે બનેલી આ ઘટનાએ મહિલાઓની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા સામે અનેક સવાલો ઊભા કર્યા છે.

આ પણ વાંચો: Vadodara: રક્ષિતકાંડના આરોપી પ્રાંશુ ચૌહાણને રાહત નહીં; કોર્ટે ડિસ્ચાર્જ અરજી નામંજૂર કરી