ભરૂચ જિલ્લાના જંબુસર નગરમાં લાંબા સમયથી ચાલી રહેલી પીવાના પાણીની ગંભીર સમસ્યાને લઈને સ્થાનિક રહીશોમાં તંત્ર સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. જંબુસર નગરની પ્રજાને પૂરતું અને મીઠું પીવાનું પાણી પૂરું પાડવામાં તંત્ર સંપૂર્ણ નિષ્ફળ રહ્યું હોવાના આક્ષેપ સાથે આજે એક સ્થાનિક દંપતીએ ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન શરૂ કર્યું છે. પીનલબેન પટેલ અને તેમના પતિ સંજય પટેલે અન્નનો ત્યાગ કરી જંબુસર પ્રાંત કચેરી ખાતે ધરણા પ્રદર્શન શરૂ કરી દીધું છે.
'પીવાનું શુદ્ધ અને મીઠું પાણી મળતું નથી'
ધરણા પર બેઠેલા દંપતીના જણાવ્યા અનુસાર, જંબુસર નગરની જનતાને ઘણા વર્ષોથી પીવાનું શુદ્ધ અને મીઠું પાણી મળતું નથી. સ્થાનિક નેતાઓ અને તંત્ર દ્વારા માત્ર ચૂંટણીઓ વખતે જ મોટા-મોટા વાયદાઓ કરવામાં આવે છે, પરંતુ ચૂંટણી પૂર્ણ થયા બાદ તમામ વચનો નિષ્ફળ નીવડે છે. વારંવાર રજૂઆતો કરવા છતાં પણ પાણીની સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ ન આવતા આખરે આ દંપતીએ આક્રોશ સાથે અન્ન-જળનો ત્યાગ કરીને સરકારી કચેરીના પગથિયાં ચડવાની ફરજ પડી છે.
વહીવટી તંત્રમાં ભારે દોડધામ મચી
જંબુસર નગરમાં પાણી જેવા પાયાના મુદ્દે દંપતી પ્રાંત ઓફિસે અચોક્કસ મુદતના ધરણા પર બેસી જતાં સ્થાનિક રાજકારણ અને વહીવટી તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જંબુસર પોલીસનો કાફલો પણ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પ્રાંત કચેરી ખાતે ખડકી દેવામાં આવ્યો છે. સ્થાનિક લોકો પણ આ દંપતીના સમર્થનમાં આગળ આવી રહ્યા છે, અને નગરને વહેલી તકે મીઠું પાણી આપવાની માંગ બુલંદ બનાવી રહ્યા છે.
સ્થાનિક લોકોએ ઉચ્ચારી ચીમકી
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ઘણા વિસ્તારોમાં આજે પણ પીવાના પાણીની વિકરાળ સમસ્યા છે. ચોમાસામાં જે પાણી વહી જાય છે, તેનો યોગ્ય સંચય કરીને જનતાની પાણીની સમસ્યા દૂર કરવા માટેની માગ જંબુસરવાસીઓ કરી રહ્યા છે. આ સાથે જો આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં નહીં આવે તો આજે એક દંપતી ધરણા પર છે, કાલે આ સંખ્યા હજારોમાં પહોંચી જશે, અને આંદોલન ઉગ્ર બનશે, તેવી ચીમકી પણ સ્થાનિક લોકોએ ઉચ્ચારી છે.
આ પણ વાંચો - Bharuch : જામા મસ્જિદ વિવાદે પકડ્યું જોર, આજે સંતો-મહંતોની વિશાળ પગપાળા રેલી, ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો