જામા મસ્જિદના વિવાદને પગલે આજે ભરૂચ શહેરમાં ભારે તણાવપૂર્ણ માહોલ વચ્ચે એક વિશાળ પગપાળા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે
Gujarat| By Sandesh Team | Published: Jun 15, 2026 10:41 am
મસ્જિદનો વિવાદ
ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદના મૂળ સ્વરૂપને લઈને ચાલી રહેલો વિવાદ હવે વધુ ઘેરો બન્યો છે. આ વિવાદને પગલે આજે ભરૂચ શહેરમાં ભારે તણાવપૂર્ણ માહોલ વચ્ચે એક વિશાળ પગપાળા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય ધરોહરને સુરક્ષિત રાખવા અને સનાતન સંસ્કૃતિના સંવર્ધન માટે 'રાષ્ટ્રીય ધરોહર સંરક્ષણ સમિતિ' છેલ્લા 6 મહિનાથી આંદોલન ચલાવી રહી છે, જેના ભાગરૂપે આજે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો રસ્તા પર ઉતર્યા છે.
શ્રદ્ધાળુઓ, સાધુ-સંતો અને મહંતો એકત્રિત થવાની શરૂઆત
આજે સવારે શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે મોટી સંખ્યામાં હિન્દુ શ્રદ્ધાળુઓ, સાધુ-સંતો અને મહંતો એકત્રિત થવાની શરૂઆત થઈ ગઈ છે. આ યાત્રામાં માત્ર સ્થાનિકો જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાત અને પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાંથી પણ મોટી સંખ્યામાં લોકો જોડાય તેવી પ્રબળ શક્યતા છે.
યાત્રા કલેક્ટર કચેરી સુધી જશે
ખાસ કરીને શ્રી ચક્રધર સ્વામીના અનુયાયીઓ પણ આ આંદોલનને સમર્થન આપવા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. હોસ્ટેલ ગ્રાઉન્ડથી શરૂ થનારી આ પગપાળા યાત્રા કલેક્ટર કચેરી સુધી જશે, જ્યાં કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવશે. આ સાથે જ વહીવટીતંત્ર સમક્ષ હિન્દુ સમાજનો અવાજ બુલંદ કરવા માટે એક વ્યાપક હસ્તાક્ષર અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે.
બીજી તરફ, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર સદ્દંતર એલર્ટ મોડ પર છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પોલીસ તંત્ર દ્વારા આ રેલીને સત્તાવાર પરવાનગી આપવામાં આવી નથી, છતાં હજારોની મેદની એકઠી થતાં પોલીસ માટે મોટી ચેલેન્જ ઊભી થઈ છે.
ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
સુરક્ષાના ભાગરૂપે 1 ડીવાયએસપી , 1 પીઆઈ , 5 પીએસઆઈ સહિત સ્થાનિક પોલીસ અને એસઓજી નો મોટો કાફલો ખડકી દેવામાં આવ્યો છે. હવે જોવાનું એ રહેશે કે પોલીસ આ યાત્રાને કલેક્ટર કચેરી સુધી જવા દે છે કે અધવચ્ચે જ અટકાવી દે છે. ઉલ્લેખનીય છે કે, વિવાદિત જામા મસ્જિદ હાલ પુરાતત્વ વિભાગ હસ્તક છે, પરંતુ આ ગંભીર માહોલ વચ્ચે હજુ સુધી વિભાગ દ્વારા કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.