ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ બોટાદ જિલ્લાના સાળંગપુરમાં કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજના દિવ્ય સ્વરૂપો અને વિશ્વભરમાં આકર્ષણનું કેન્દ્ર બનેલી વિરાટ પ્રતિમા 'કિંગ ઓફ સાળંગપુર' ના ચિત્રો, લોગો તેમજ નામ પર કૉપીરાઇટ અને ટ્રેડમાર્ક સંરક્ષણ મેળવવામાં આવતા જ રાજ્યના ધાર્મિક અને સામાજિક વર્તુળોમાં એક નવો મોટો વિવાદ ઊભો થયો છે. એક તરફ મંદિર પ્રશાસન અને કાયદાકીય લો ફર્મ આ ઐતિહાસિક પગલાંને ધામની આધ્યાત્મિક ઓળખ, ગૌરવ અને સાંસ્કૃતિક વારસાને સુરક્ષિત રાખવાનો સરાહનીય પ્રયાસ ગણાવી રહી છે, તો બીજી તરફ સનાતન ધર્મના વરિષ્ઠ સાધુ-સંતો અને મહામંડલેશ્વરો આ નિર્ણયનો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે. વિરોધ કરનારાઓનો તર્ક છે કે ભગવાન કોઈ એક સંપ્રદાય, સંસ્થા કે ટ્રસ્ટની ખાનગી જાગીર નથી, તેઓ સમગ્ર સૃષ્ટિના અને અઢારેય વર્ણના ભક્તોના છે, તેથી તેમના પર કોઈ કાયદાકીય કૉપીરાઇટ હોઈ શકે નહીં.
'સંદેશ ડિજિટલ' એ કાયદાકીય નિષ્ણાતો સાથે વાત કરી
આ ગંભીર અને અત્યંત સંવેદનશીલ મુદ્દા પર 'સંદેશ ડિજિટલ' એ કાયદાકીય નિષ્ણાતો સાથે ખાસ વાતચીત કરીને આખો મામલો શું છે અને બૌદ્ધિક સંપત્તિનો કાયદો ધાર્મિક ક્ષેત્રોમાં ખરેખર કેવી રીતે અને કઈ મર્યાદામાં લાગુ પડે છે તેની એક્સક્લુઝિવ માહિતી મેળવી છે.
ધામની આધ્યાત્મિક ઓળખ સુરક્ષિત કરવાનો હેતુ
સાળંગપુર ધામમાં શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજના વિવિધ દિવ્ય સ્વરૂપો, આભૂષણો તેમજ તાજેતરમાં સ્થાપિત કરાયેલી ૫૪ ફૂટની વિરાટ પ્રતિમા 'કિંગ ઓફ સાળંગપુર' સહિતના વિવિધ પ્રતીકોના કૉપીરાઇટ અને ટ્રેડમાર્કના સત્તાવાર પ્રમાણપત્રો દાદાના ચરણોમાં સમર્પિત કરવામાં આવ્યા છે. આ સમગ્ર જટિલ કાયદાકીય પ્રક્રિયા દેશની અગ્રણી અને બૌદ્ધિક સંપત્તિના કાયદાની લો ફર્મ દ્વારા પૂર્ણ કરવામાં આવી છે.
બૌદ્ધિક સંપત્તિ કાયદાઓ દ્વારા સુરક્ષિત કરાઇ
આ કાનૂની નોંધણીઓ પ્રાપ્ત થયા બાદ સાળંગપુર મંદિરના કોઠારી વિવેકસાગર સ્વામીએ સત્તાવાર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, "આધુનિક યુગમાં ડિજિટલ માધ્યમોનો વ્યાપ વધ્યો છે ત્યારે બૌદ્ધિક સંપત્તિ કાયદાઓ દ્વારા ધાર્મિક અને સાંસ્કૃતિક ધરોહરને સુરક્ષિત કરવી એ સમયની અત્યંત મહત્વની માંગ છે. સાળંગપુર હનુમાનજી દાદાના આશીર્વાદથી ભક્તિ, સેવા અને સંસ્કૃતિના આ દિવ્ય વારસાનું સંરક્ષણ આગામી વર્ષોમાં પણ આ જ રીતે કાયદાકીય અને નૈતિક રીતે સતત ચાલુ રાખવામાં આવશે, જેથી ધામની પવિત્રતા, સનાતની ઓળખ અને અપ્રતિમ ગરિમા જળવાઈ રહે અને સાંસ્કૃતિક વારસાનું સંરક્ષણ આગળ પણ અવિરત ચાલુ રહેશે.

દેવી-દેવતાના સ્વરૂપ પર કૉપીરાઇટ ન હોઈ શકે
મંદિર પ્રશાસનના આ નિર્ણયની સત્તાવાર જાહેરાત થતાની સાથે જ હિન્દુ ધર્મના પરંપરાગત સાધુ-સંતોમાં ભારે આક્રોશ અને અસંતોષ જોવા મળી રહ્યો છે. બોટાદ અને સમગ્ર ગુજરાતના સંત સમાજે 'કિંગ ઓફ સાળંગપુર' ટ્રેડમાર્કના પ્રમાણપત્રને લઈને તીવ્ર શબ્દોમાં વિરોધ નોંધાવ્યો છે. આ વિવાદ અંગે સુપ્રસિદ્ધ સંત અને મહામંડલેશ્વર અખિલેશ્વર દાસજી મહારાજે એક અત્યંત કડક નિવેદન આપતા જણાવ્યું છે કે, ભગવાન અને તેમના દિવ્ય સ્વરૂપો સમગ્ર સનાતન ધર્મના ભક્તોના છે. દેવી-દેવતાઓના સ્વરૂપ, મુદ્રા કે નામ પર ક્યારેય કોઈ સંસ્થા, ટ્રસ્ટ કે સંપ્રદાય પોતાનો એકહથ્થુ કૉપીરાઇટ કે ટ્રેડમાર્ક ન લઈ શકે. ભગવાન સૌના છે, તેઓ કોઈ એક ચોક્કસ સંપ્રદાયના મર્યાદિત દાયરામાં આવતા નથી. આવા નિર્ણયોથી ભક્તોની ધાર્મિક આસ્થાને ભારે શ્રદ્ધાકીય ઠેસ પહોંચે છે અને ધર્મનું વ્યાપારીકરણ થવાનો મોટો ભય રહે છે." સંતોની સ્પષ્ટ માંગ છે કે સનાતન ધર્મની પરંપરાને જાળવી રાખવા માટે આ નિર્ણય પર મંદિર ટ્રસ્ટ દ્વારા ત્વરિત પુનઃવિચાર કરવામાં આવે.
કાયદાકીય નિષ્ણાત એડવોકેટ ઋષાંક મહેતાનું એક્સક્લુઝિવ વિશ્લેષણ
આ સંવેદનશીલ વિવાદની શુદ્ધ કાયદાકીય બાજુ અને વ્યાખ્યા સમજવા માટે 'સંદેશ ડિજિટલ' એ જાણીતા બૌદ્ધિક સંપત્તિ કાયદાના નિષ્ણાત એડવોકેટ ઋષાંક મહેતા સાથે ખાસ ચર્ચા કરી. તેમણે કાયદાના ચોપડે ટ્રેડમાર્ક, કૉપીરાઇટ, પેટન્ટ અને ડિઝાઇન વચ્ચેનો મૂળભૂત તફાવત અને તેના નિયમો ખૂબ જ સરળ શબ્દોમાં સમજાવ્યા છે:
ઇન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટી (બૌદ્ધિક સંપત્તિ): આ કાયદાકીય અધિકાર મુખ્યત્વે ચાર ભાગમાં વહેંચાયેલો છે - ટ્રેડમાર્ક, પેટન્ટ, કૉપીરાઇટ અને ડિઝાઇન.
ટ્રેડમાર્ક : ટ્રેડમાર્ક એટલે જ્યારે તમે કોઈ ચોક્કસ નામે સમાજમાં કે બજારમાં વ્યાપાર કરો છો, કોઈ ઓળખ સાથે પ્રચાર કરો છો, ત્યારે તે નામ કે લોગો કોઈ બીજું વાપરી ન શકે તે માટે તેનું રજીસ્ટ્રેશન થાય છે. એકવાર ટ્રેડમાર્ક મળી ગયા પછી, અન્ય કોઈ વ્યક્તિ કે સંસ્થા તેનાથી મળતું-આવતું, આગળ-પાછળ થોડા અક્ષરો ઉમેરીને કે સમાન અર્થ ધરાવતું નામ પોતાની બ્રાન્ડ તરીકે વાપરી શકતી નથી.
કૉપીરાઇટ : કૉપીરાઇટ મૂળભૂત રીતે લિટરેચર (સાહિત્ય), સંગીત (સોન્ગ્સ), આર્ટવર્ક, કલાત્મક ચિત્રો, વિડિયો અને સોફ્ટવેર જેવી મૌલિક સર્જનાત્મક કૃતિઓ માટે આપવામાં આવે છે. જે વસ્તુઓ વ્યાપારિક ટ્રેડમાર્કમાં નથી આવતી પરંતુ એક કલાત્મક કે બૌદ્ધિક સર્જન છે, તેનો કૉપીરાઇટ થાય છે.
પેટન્ટ : જો વિશ્વમાં કોઈ નવું સંશોધન તમે સૌથી પહેલીવાર કર્યું હોય, જેમ કે વૈજ્ઞાનિક ફોર્મ્યુલા અથવા દવાઓ, તો તેની પેટન્ટ લેવામાં આવે છે. પેટન્ટ લીધા પછી તેની ફોર્મ્યુલા કોઈ કોપી કરી શકતું નથી
ડીઝાઇન : ઉદાહરણ તરીકે, કોઈ ચોક્કસ પાણીની બોટલનો અનન્ય આકાર કે ડિઝાઇન તૈયાર કરવામાં આવી હોય અને તેનું રજીસ્ટ્રેશન કરાવ્યું હોય, તો તેવો જ આકાર કે ડીઝાઇન અન્ય કોઈ પ્રોડક્ટ માટે વાપરી ના શકે.

મંદિરે આ નિર્ણય કેમ લીધો? સોશિયલ મીડિયા અને વોટરમાર્કનો મામલો
એડવોકેટ ઋષાંક મહેતાએ વધુમાં સ્પષ્ટ કર્યું કે, સાળંગપુર મંદિર પ્રશાસન દ્વારા જે કાનૂની પ્રક્રિયા કરવામાં આવી છે તેનો મુખ્ય ઉદ્દેશ્ય ડિજિટલ પ્લેટફોર્મ પર થતો દુરુપયોગ રોકવાનો છે. મંદિર દ્વારા સત્તાવાર ઓરેન્જ બેકગ્રાઉન્ડવાળો લોગો ટ્રેડમાર્ક કરાવવામાં આવ્યો છે.ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા અરજી સ્વીકાર્યા બાદ 10 વર્ષ સુધી આ પ્રોટેક્શન મળે છે. આ 10 વર્ષ સુધી કોઈ પણ વ્યક્તિ ભળતું, મિક્સ કે કલર બદલીને પણ આ લોગો પોતાની વ્યાપારિક પ્રવૃત્તિ માટે વાપરી શકશે નહીં.
સોશિયલ મીડિયા પર નિયંત્રણ
ઘણા લોકો સોશિયલ મીડિયા (ફેસબુક, ઇન્સ્ટાગ્રામ) અને યુટ્યુબમાં પરવાનગી વિના મંદિરના સત્તાવાર લોગો અને વિડિયોનો આડેધડ ઉપયોગ કરીને વ્યાપારિક નફો રળતા હતા અથવા ભ્રામક પ્રચાર કરતા હતા. આ એક્સક્લુઝિવ કન્ટેન્ટ, ફોટો અને વિડિયોના અનધિકૃત ઉપયોગને રોકવા માટે તેમજ તેના પર કાનૂની વોટરમાર્ક સમાન હક સ્થાપિત કરવા માટે મંદિર ટ્રસ્ટ દ્વારા આ કાયદાકીય પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
સામાન્ય ભક્તોનો સૂર: "લેભાગુ તત્વોના ફ્રોડને રોકવા માટે આ યોગ્ય નિર્ણય"
આ સમગ્ર વિવાદ વચ્ચે સાળંગપુર હનુમાનજી દાદાના સામાન્ય શ્રદ્ધાળુઓ અને ભક્તોનો અભિપ્રાય સાધુ-સંતો કરતા થોડો અલગ અને વ્યવહારુ જોવા મળ્યો છે. 'સંદેશ ડિજિટલ' સાથેની વાતચીતમાં અનેક સ્થાનીય અને બહારથી આવેલા શ્રદ્ધાળુઓએ દાદાના કૉપીરાઇટ અને ટ્રેડમાર્કના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો છે. ભક્તોનું કહેવું છે કે આજકાલ ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા પર ઘણા લેભાગુ તત્વો સાળંગપુર કષ્ટભંજન દેવના નામે બોગસ આઈડી, નકલી પેજ કે ખોટી વેબસાઈટો બનાવીને ભક્તો પાસેથી ઓનલાઈન પૂજા, આરતી કે પ્રસાદના નામે પૈસા પડાવતા હોય છે અને મોટું આર્થિક ફ્રોડ (છેતરપિંડી) આચરતા હોય છે. આ નિર્ણયથી આવા ગુનાહિત અને લેભાગુ તત્વો સામે સીધા કાનૂની પગલાં ભરી શકાશે.

હનુમાનજી દાદા તો અઢારેય વર્ણના છે
એક શ્રદ્ધાળુએ જણાવ્યું કે, "હનુમાનજી દાદા તો અઢારેય વર્ણના છે અને ભગવાન પર કોઈ એક વ્યક્તિનો માલિકી હક ન હોઈ શકે તે વાત સાચી છે, પરંતુ જે લોકો દાદાના પવિત્ર નામે વ્યાપારિક ગેરરીતિઓ કરે છે અને નકલી ચીજો વેચે છે, તેમને રોકવા માટે મંદિર પ્રશાસનનો આ નિર્ણય સરાહનીય અને કાનૂની સુરક્ષા પૂરી પાડનારો છે."
સ્વામિનારાયણ સંપ્રદાય સાથે સંકળાયેલા કેટલાક વિવાદો
સાળંગપુરમાં ભીંતચિત્રોનો વિવાદ
સાળંગપુર મંદિરમાં હનુમાનજીની 54 ફૂટ ઊંચી વિરાટ પ્રતિમા 'કિંગ ઓફ સાળંગપુર' સ્થાપિત કરવામાં આવી છે. આ પ્રતિમાની નીચેના પ્લેટફોર્મ પર કેટલાક ભીંતચિત્રો (મોઝેક આર્ટ) કંડારવામાં આવ્યા હતા. આ ભીંતચિત્રોમાં હનુમાનજીને સ્વામિનારાયણ સંપ્રદાયના સહજાનંદ સ્વામી (ભગવાન સ્વામિનારાયણ) સામે હાથ જોડીને નમસ્કાર મુદ્રામાં ઊભેલા અને પ્રણામ કરતા દર્શાવવામાં આવ્યા હતા.એક ચિત્રમાં હનુમાનજીને સેવક ભાવે ચરણસ્પર્શ કરતા પણ દર્શાવવામાં આવ્યા હતા. આ ભીંતચિત્રો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ સનાતન ધર્મના સાધુ-સંતો, મહંતો અને હનુમાન ભક્તોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો.
આનંદસ્વરૂપ સ્વામીએ એક વિવાદિત નિવેદન
એક કથા દરમિયાન સ્વામિનારાયણ સંપ્રદાયના વક્તા આનંદસ્વરૂપ સ્વામીએ એક વિવાદિત નિવેદન આપ્યું હતું.તેમણે કથામાં કહ્યું હતું કે, "ભગવાન સ્વામિનારાયણ જ્યારે પૃથ્વી પર આવ્યા ત્યારે શિવજી, બ્રહ્માજી અને અન્ય દેવી-દેવતાઓ આકાશમાં લાઈન લગાવીને ઊભા હતા અને સ્વામિનારાયણ ભગવાનના ચરણામૃત (પગ ધોયેલું પાણી) પીવા માટે પડાપડી કરતા હતા."આ વિડિયો વાયરલ થતાં જ શિવભક્તો અને નાગા સાધુઓ ભારે રોષે ભરાયા હતા. જૂનાગઢના સંતોએ આનો ઉગ્ર વિરોધ કર્યો હતો, જેના કારણે અંતે સ્વામીએ માફી માંગવી પડી હતી.
સંત બ્રહ્મસ્વરૂપ સ્વામીનો વિવાદ
સંપ્રદાયના અન્ય એક સંત બ્રહ્મસ્વરૂપ સ્વામીએ ભગવાન શ્રીકૃષ્ણ અને ગોપીઓના રાસલીલાના પ્રસંગ પર વિવાદિત ટિપ્પણી કરી હતી.તેમણે પોતાના પ્રવચનમાં શ્રીકૃષ્ણના ચરિત્ર અને ગોપીઓ વિશે એવી ભાષાનો પ્રયોગ કર્યો જેને સનાતન ધર્મના લોકોએ "અપમાનજનક અને મર્યાદાહીન" ગણાવી.આ નિવેદન સામે આખા ગુજરાતમાં શ્રીકૃષ્ણ ભક્તો અને હવેલી સંગીત, પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયના લોકોએ દેખાવો કર્યા હતા.
ઘણા મંદિરો વિશે પણ વિવાદ
ઘણા સ્વામિનારાયણ મંદિરોમાં મુખ્ય ગર્ભગૃહમાં માત્ર ભગવાન સ્વામિનારાયણ અને તેમના ગુણાતીત સંતોની મૂર્તિઓ હોય છે, જ્યારે હનુમાનજી, ગણેશજી કે શિવજીની મૂર્તિઓને ગર્ભગૃહની બહાર, ખૂણામાં કે પછી મંદિરના કમ્પાઉન્ડમાં ગૌણ સ્થાને રાખવામાં આવે છે. કેટલાક લોકોએ આરોપ લગાવ્યો કે સનાતન ધર્મના ભક્તોનું કહેવું છે કે જે દેવોની પૂજા સદીઓથી ભારતમાં થાય છે, તેમને માત્ર પોતાના મંદિરના 'રક્ષક' કે 'સેવક' તરીકે બતાવવા તે ધાર્મિક અહંકાર દર્શાવે છે.
આસ્થા અને આધુનિક કાયદા વચ્ચેનો સમન્વય સમયની માંગ?
સમગ્ર વિવાદનું તટસ્થ વિશ્લેષણ કરીએ તો સ્પષ્ટ થાય છે કે આ વિવાદ પરંપરાગત ધાર્મિક માન્યતાઓ અને આધુનિક યુગના બૌદ્ધિક સંપત્તિના કાયદાઓ વચ્ચેના ટકરાવનો છે. કાયદાની દ્રષ્ટિએ કોઈ પણ સંસ્થા પોતાના સત્તાવાર લોગો, બ્રાન્ડ નેમ કે યુનિક આર્ટવર્કને સુરક્ષિત કરવા અને ભક્તોને ઓનલાઈન છેતરપિંડીથી બચાવવા માટે કાનૂની કવચ લેવા સંપૂર્ણ હકદાર છે. પરંતુ બીજી તરફ, સનાતન પરંપરામાં ઈશ્વરને સર્વવ્યાપી અને સર્વસમાવેશી માનવામાં આવ્યા હોવાથી, તેમના સ્વરૂપો પર 'કૉપીરાઇટ' જેવા શબ્દોનો પ્રયોગ સાધુ-સંતો અને શ્રદ્ધાળુઓમાં અસંતોષ જગાડે છે. સાળંગપુર ધામના આ ઐતિહાસિક અને ચર્ચાસ્પદ નિર્ણયની અસર આગામી દિવસોમાં દેશના અન્ય મોટા મંદિરો, ધાર્મિક ટ્રસ્ટો અને આધ્યાત્મિક સંસ્થાઓની કાર્યપ્રણાલી પર પણ જોવા મળી શકે છે. હવે જોવાનું એ રહેશે કે મંદિર પ્રશાસન સાધુ-સંતોના વિરોધને શાંત કરવા માટે આગામી સમયમાં કેવા પ્રકારની સત્તાવાર સ્પષ્ટતા કે વચગાળાનો માર્ગ અપનાવે છે.
આ પણ વાંચો---- Gujarat Latest News Live: લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ બનશે દેશના નવા આર્મી ચીફ













