ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં ખાતરની ભારે અછત સર્જાતા ખેડૂતોમાં તીવ્ર આક્રોશ જોવા મળી રહ્યો છે. ચોમાસાની રવિ/ખરીફ સિઝનમાં પાક માટે ખાતર અત્યંત જરૂરી હોવાથી તાલુકાના દૂર-દૂરના ગામડાઓમાંથી હજારો ખેડૂતો દરરોજ સવારથી જ ખાતર ડેપો પર પહોંચી જાય છે. જોકે, આખો દિવસ લાઈનમાં ઊભા રહ્યા બાદ પણ પૂરતું ખાતર ન મળતાં ખેડૂતોને ભારે નિરાશા સાથે ખાલી હાથે ઘેર પરત ફરવાનો વારો આવી રહ્યો છે.
ટોકન આપ્યા બાદ 'સ્ટોક ખલાસ'ના બોર્ડથી ખેડૂતો હેરાન
સ્થાનિક ખેડૂતોના જણાવ્યા અનુસાર, વહેલી સવારે લાઈનમાં ઊભા રહ્યા બાદ તેમને તંત્ર કે વિતરણ કેન્દ્ર તરફથી ટોકન તો આપી દેવામાં આવે છે. પરંતુ, થોડી જ વારમાં "ખાતરનો જથ્થો પૂર્ણ થઈ ગયો છે, આવતીકાલે ફરી આવજો" તેમ કહીને તેમને રવાના કરી દેવાય છે. ખાતર મેળવવા માટે પુરુષોની સાથે મોટી સંખ્યામાં મહિલાઓ પણ કલાકો સુધી લાઈનમાં ઊભી રહેવા મજબૂર બની છે.
રાતોરાત જથ્થો ક્યાં જાય છે? નિષ્પક્ષ તપાસની માગ
ખેડૂતોએ વિતરણ વ્યવસ્થા સામે ગંભીર આક્ષેપો કરતાં સવાલ ઉઠાવ્યો છે કે, જો વહેલી સવારથી લાઈનમાં ઊભેલા ખેડૂતોને જ ખાતર નથી મળતું, તો પછી રાતોરાત ખાતરનો આટલો મોટો જથ્થો ક્યાં ગાયબ થઈ જાય છે? આ વિતરણ પ્રક્રિયામાં ભારે ગેરરીતિ થઈ રહી હોવાની આશંકા વ્યક્ત કરીને ખેડૂતોએ સમગ્ર કૌભાંડ કે ગોલમાલની નિષ્પક્ષ તપાસ કરવાની ઉગ્ર માંગ કરી છે.
વારંવારની રજૂઆતો છતાં તંત્ર નિદ્રાધીન, પાક નિષ્ફળ જવાની ભીતિ
ખાતરની અછત અંગે ખેડૂતો દ્વારા વારંવાર ઉચ્ચ કક્ષાએ અને સંબંધિત વિભાગોમાં રજૂઆતો કરવામાં આવી છે, છતાં આજદિન સુધી આ ગંભીર સમસ્યાનો કોઈ કાયમી કે યોગ્ય ઉકેલ આવ્યો નથી. જો સમયસર ખાતર નહીં મળે તો પાકને મોટું નુકસાન જશે અને આર્થિક પાયમાલી સર્જાશે તેવી ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે.
પારદર્શક વિતરણ અને તાત્કાલિક જથ્થો ફાળવવા માગ
જંબુસર તાલુકાના પીડિત ખેડૂતોએ રાજ્ય સરકાર અને ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર પાસે માંગ કરી છે કે, જંબુસરમાં તાત્કાલિક ધોરણે પૂરતો ખાતરનો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવે. આ ઉપરાંત વિતરણ વ્યવસ્થાને સંપૂર્ણ પારદર્શક બનાવવામાં આવે જેથી કોઈ કાળાબજારી કે કૌભાંડ ન થાય અને વાસ્તવિક ખેડૂતોને સમયસર ખાતર મળી રહે.
આ પણ વાંચો - Gujarat Rain Update: પૂરની વિકટ પરિસ્થિતિ વચ્ચે ભારતીય સેનાની એન્ટ્રી, HADR ઓપરેશન શરૂ, 43 લોકોનું રેસ્ક્યૂ