ભરૂચ શહેર અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી વરસી રહેલા સતત વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારો અને જર્જરિત બાંધકામો પર તેની વિપરીત અસર જોવા મળી રહી છે. દરમિયાન, ભરૂચ શહેરના કસક વિસ્તારમાં આવેલી 'ન્યુ નવી નગરી' માં વરસાદના કારણે કમ્પાઉન્ડની દિવાલ ધડાકાભેર તૂટી પડવાની ઘટના બની હતી.
કમ્પાઉન્ડની દિવાલ ધડાકાભેર તૂટી
મળતી વિગતો મુજબ, સતત પડેલા વરસાદના પાણી કમ્પાઉન્ડની દિવાલના પાયામાં ઊતરી જતાં દિવાલ પોચી પડી ગઈ હતી અને અચાનક જ ધરાશાયી થઈ ગઈ હતી. દિવાલ તૂટી પડવાનો જોરદાર અવાજ આવતાં જ આસપાસની સોસાયટીના રહીશોમાં અફરાતફરી મચી ગઈ હતી.
કાટમાળ નીચે દબાયા 7 વાહનો
કમ્પાઉન્ડની દિવાલની અડીને સ્થાનિક રહીશોએ પોતાના વાહનો પાર્ક કર્યા હતા. દિવાલ ધરાશાયી થતાં તેનો ભારેખમ કાટમાળ નીચે પાર્ક કરેલા 5 મોપેડ (ટુ-વ્હીલર) પર પડ્યો હતો. જેના કારણે તમામ વાહનો કાટમાળ નીચે દબાઈ જતાં તેમને વ્યાપક નુકસાન પહોંચ્યું હતું.
સ્થાનિકો બચાવે દોડી આવ્યા
ઘટના બનતાં જ આસપાસના સ્થાનિક લોકો અને યુવાનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. લોકોએ પોતાની સૂઝબૂઝ વાપરીને દિવાલના ઈંટો અને પથ્થરના કાટમાળને હટાવીને નીચે દબાયેલા મોપેડ અને સાયકલને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. દુર્ઘટના વખતે સદ્દનસીબે રસ્તા પર કે દિવાલ પાસે કોઈ પણ નાગરિક કે બાળક હાજર ન હતું, જેના કારણે એક મોટી જાનહાનિ કે દુર્ઘટના ટળી હતી, જેથી સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
આ પણ વાંચો: Surat: મુશળધાર વરસાદથી શહેરના મુખ્ય માર્ગો પર ઘૂંટણસમા પાણી ભરાતાં વાહનચાલકો અને સ્થાનિકો અટવાયા