હવામાન વિભાગ દ્વારા સુરત શહેર માટે જારી કરવામાં આવેલા 'રેડ એલર્ટ' (Red Alert) મુજબ જ સવારથી સમગ્ર સુરત શહેરમાં મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી છે. માત્ર અડધા કલાકથી એક કલાકના મુશળધાર વરસાદી સ્પેલમાં જ સુરત મહાનગરપાલિકા (SMC) ના પ્રી-મોન્સૂન ડ્રેનેજ ક્લીનિંગના તમામ દાવાઓની પોલ ખુલ્લી પડી ગઈ છે.

રસ્તાઓ પર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા

સુરત શહેરના અતિ પોશ ગણાતા અઠવાલાઈન્સ વિસ્તારમાં સાયબર ક્રાઈમ ઓફિસથી લઈને સમગ્ર મુખ્ય માર્ગ સુધી ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. રસ્તાઓ પર પાણી ફરી વળતા પદયાત્રીઓ અને વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.

મંત્રીની મુલાકાત ટાણે જ ડિઝાસ્ટર કચેરી બહાર પાણી ભરાયા

તંત્રની નિષ્ક્રિયતાનો સૌથી મોટો પુરાવો ત્યારે સામે આવ્યો જ્યારે જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ કચેરી અને કંટ્રોલ રૂમ બહાર જ વરસાદી પાણી ભરાઈ ગયા હતા. ખાસ વાત એ છે કે રાજ્યના મંત્રી પ્રફુલ પાનસેરીયા જ્યારે પૂર અને વરસાદી સ્થિતિની સમીક્ષા કરવા કલેક્ટર કચેરી કેમ્પસ સ્થિત ડિઝાસ્ટર રૂમની મુલાકાતે પહોંચ્યા, ત્યારે જ કચેરીના મુખ્ય પ્રવેશદ્વાર બહાર અડધા કલાકના વરસાદમાં જળબંબાકાર સર્જાયેલો જોવા મળ્યો હતો.

સૂર્યપુર ગરનાળું અને ઉધના-મગદલ્લા રોડ બેટમાં ફેરવાયા

બીજી તરફ, સુરતના મહત્વના ઉધના-મગદલ્લા સર્વિસ રોડ પર ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં નોકરીયાતો અને વાહનચાલકો રસ્તા પર અટવાઈ પડ્યા હતા. આ ઉપરાંત સૂર્યપુર ગરનાળામાં પાણી ભરાઈ જતાં ગરનાળાથી પોદાર આર્કેડ સુધીનો સમગ્ર માર્ગ જળમગ્ન થઈ ગયો હતો. રસ્તા પર બંધ પડેલા ટુ-વ્હીલર અને ફોર-વ્હીલરના કારણે કલાકો સુધી ટ્રાફિકજામના ભયાનક દ્રશ્યો સર્જાયા હતા.સ્થાનિક રહીશો અને વાહનચાલકોમાં સુરત મનપા દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે યોગ્ય અને સમયસર કામગીરી ન કરવા બદલ ભારે રોષ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો: Aravalli: જિલ્લામાં 2 દિવસ ભારે વરસાદની આગાહી વચ્ચે NDRF ની 30 સભ્યોની ટીમ તૈના, વહીવટી તંત્ર સજ્જ