ભરૂચ નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર દેરોલ પાસે વહેલી સવારે એક અત્યંત ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે. ધોરાજીથી સુરત લગ્ન પ્રસંગે જઈ રહેલા જાનૈયાઓ ભરેલી લક્ઝરી બસ અને ટેન્કર વચ્ચે જોરદાર ટક્કર થતાં લગ્નની ખુશીઓ માતમમાં ફેરવાઈ ગઈ છે. આ ભયાનક અકસ્માતમાં બે મુસાફરોના કરુણ મોત નીપજ્યા છે, જ્યારે બાળકો સહિત 30થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે.
દેરોલ નજીક લક્ઝરી બસ અને ટેન્કર વચ્ચે જોરદાર ટક્કર
મળતી વિગતો અનુસાર, ધોરાજીથી જાનૈયાઓને લઈને એક ખાનગી લક્ઝરી બસ સુરત તરફ જઈ રહી હતી. દરમિયાન, વહેલી સવારે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર ભરૂચના દેરોલ નજીક લક્ઝરી બસ અને એક ટેન્કર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે બસના આગળના ભાગને ભારે નુકસાન પહોંચ્યું હતું અને વહેલી સવારની નિંદ્રામાં રહેલા મુસાફરોમાં ભારે ચીસાચીસ અને અફરાતફરી મચી ગઈ હતી.
