સૌરાષ્ટ્રના સૌથી મોટા ગણાતા રાજકોટ માર્કેટિંગ યાર્ડ (APMC)માં મગફળીની મબલખ આવક થતાં સમગ્ર યાર્ડ પરિસર મગફળીના ઢગલાઓથી છલકાઈ ગયું છે. ચાલુ સિઝનમાં રાજકોટ માર્કેટિંગ યાર્ડ ખાતે સતત બીજા દિવસે મગફળીની રેકોર્ડ બ્રેક આવક નોંધાઈ છે. યાર્ડના સત્તાવાર આંકડા મુજબ, ચાલુ સિઝનમાં 2 લાખ મણ મગફળીની વિક્રમી આવક નોંધાઈ છે, જેના કારણે યાર્ડમાં હરાજી અને ખરીદ-વેચાણનો ભારે ધમધમાટ જોવા મળી રહ્યો છે.

મગફળી લઈને ખેડૂતો મધરાત્રિના જ માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચ્યા

મગફળીના સારા ભાવ અને વેચાણ માટે સૌરાષ્ટ્રના અલગ-અલગ જિલ્લાઓ અને ગામડાઓમાંથી ખેડૂતો મોટી સંખ્યામાં રાજકોટ માર્કેટિંગ યાર્ડ ખાતે ઉમટી પડ્યા હતા. યાર્ડના દરવાજા ખુલે તે પહેલાં જ મધરાત્રિના સમયે આશરે 1,400 જેટલા વાહનોમાં મગફળી ભરીને ખેડૂતો યાર્ડ ખાતે પહોંચી ગયા હતા. લાભ પાંચમના શુભ દિવસથી રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની અવિરત આવક શરૂ થઈ છે, જે હજુ પણ સતત યથાવત જોવા મળી રહી છે.

કપાસ અને સોયાબીનની પણ રેકોર્ડ બ્રેક આવક નોંધાઈ

રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં માત્ર મગફળી જ નહીં, પરંતુ અન્ય ખરીફ પાકોની પણ બમ્પર આવક થઈ રહી છે. મગફળીની સાથોસાથ યાર્ડમાં કપાસ અને સોયાબીનની પણ રેકોર્ડ બ્રેક આવક નોંધાઈ છે. એકસાથે મગફળી, કપાસ અને સોયાબીનની મબલખ આવક થવાથી માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો દ્વારા ખેડૂતોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે સુચારુ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

આ પણ વાંચો: Ahmedabad: સરદારનગર વિસ્તારમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ, વાસ્તુ પૂજન પ્રસંગે ઘરમાં જ જામી હતી પાર્ટી