રાજ્યમાં દારૂબંધીના કડક અમલના દાવાઓ વચ્ચે અમદાવાદ શહેરમાં વધુ એક દારૂ પાર્ટીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ભારે ચકચાર મચી ગઈ છે. શહેરના સરદારનગર વિસ્તારમાં આવેલી નંદીગ્રામ સોસાયટીની અંદર શિવ બંગલોઝ ખાતે દારૂની મહેફિલ માણવામાં આવી હોવાના વીડિયો સામે આવ્યા છે, જેના કારણે સ્થાનિક વિસ્તાર સહિત સમગ્ર શહેરમાં ખળભળાટ મચી ગયો છે.
https://www.instagram.com/reel/Df7rTYwEcnk/?utm_source=ig_web_button_share_sheet
ઘરના વાસ્તુ પૂજન વખતે જ ઘરને બનાવ્યો દારૂનો અડ્ડો
મળતી વિગતો અનુસાર, સરદારનગર વિસ્તારની નંદીગ્રામ સોસાયટીમાં આવેલા શિવ બંગલોઝના એક મકાનમાં વાસ્તુ પૂજનનો પ્રસંગ રાખવામાં આવ્યો હતો. જોકે, આ ધાર્મિક અને પવિત્ર પ્રસંગના અવસરે જ નવા ઘરને દારૂનો અડ્ડો બનાવી દેવામાં આવ્યો હતો. આ પાર્ટીમાં હાજર રહેલા શખ્સોએ કાયદાના કોઈ પણ જાતના ડર વિના ખુલ્લેઆમ દારૂ પીને તેની મહેફિલ માણી હતી અને તેના વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા.
વીડિયો વાયરલ થતા પોલીસની કામગીરી પર ઉઠ્યા ગંભીર સવાલ
દારૂની મહેફિલના આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ સરદારનગર પોલીસની કામગીરી અને પેટ્રોલિંગ સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. રહેણાંક સોસાયટીની અંદર આટલી મોટી માત્રામાં દારૂનો જથ્થો કેવી રીતે પહોંચ્યો અને આ તત્વોને પોલીસનો કોઈ ખૌફ કેમ નથી તેવા સવાલો શહેરીજનોમાં ચર્ચાઈ રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે વાયરલ વીડિયોના આધારે અમદાવાદ પોલીસ આ શખ્સોની ઓળખ કરીને તેમની સામે કેવી કડક કાર્યવાહી કરે છે.
આ પણ વાંચો: Surat: લૂંટના આરોપી પર લીંબાયત પોલીસનું ફાયરિંગ, હેડ કોન્સ્ટેબલ પર ચાકુથી હુમલો કરતા PIએ પગમાં ગોળી મારી