સુરત શહેરમાં ગુનેગારો સામે પોલીસે ફરી એકવાર કડક વલણ અપનાવ્યું છે. શહેરના લીંબાયત વિસ્તારમાં આજે વહેલી સવારે લૂંટના એક કુખ્યાત આરોપીએ પોલીસ જવાન પર ચાકુ વડે જીવલેણ હુમલો કરતા પોલીસે સ્વબચાવમાં ફાયરિંગ કરીને આરોપીને ઝડપી પાડ્યો છે. ઝડપાયેલા આરોપીનું નામ પરવેઝ મુશરફ અન્સારી હોવાનું સામે આવ્યું છે, જેને હાલ સારવાર અર્થે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
હેડ કોન્સ્ટેબલ પર હુમલો થતાં PIએ પગમાં ગોળી મારી
મળતી વિગતો અનુસાર, આજે વહેલી સવારે આશરે 3:00 વાગ્યાના સુમારે ઝોન-2 લીંબાયત પોલીસની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન નીલગીરી ગ્રાઉન્ડમાં એક શંકાસ્પદ શખ્સ પોલીસને જોઈને ભાગવા લાગ્યો હતો. પોલીસ ટીમ તેને પકડવા માટે દોડી ત્યારે આરોપી પરવેઝ મુશરફ અન્સારીએ પોલીસ હેડ કોન્સ્ટેબલ અનિલકુમાર અમરસિંહ ઉપર ચાકુ વડે હુમલો કરી દીધો હતો, જેના કારણે હેડ કોન્સ્ટેબલ સ્થળ પર જ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.
હેડ કોન્સ્ટેબલ ઉપર ચાકુ વડે હુમલો
પરિસ્થિતિની ગંભીરતા જોઈને લીંબાયત પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર (PI) ડી.ડી. ચૌહાણે આરોપીને ચપ્પુ ફેંકી દેવા માટે ચેતવણી આપી હતી અને હવામાં એક રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું. તેમ છતાં આરોપી શરણે થવાને બદલે PI પર ફરી હુમલો કરવા ધસી આવતા, PI ડી.ડી. ચૌહાણે સ્વબચાવમાં આરોપીના ડાબા પગમાં ગોળી મારી તેને કાબૂમાં લીધો હતો.
વરાછા, કતારગામ અને મહિધરપુરામાં લૂંટની કબૂલાત
પોલીસની પ્રાથમિક તપાસ અને પૂછપરછમાં આરોપી પરવેઝ મુશરફ અન્સારીએ ચોંકાવનારી કબૂલાત કરી છે. તેણે ગઈકાલે વહેલી સવારે પોતાના સાગરીત લક્ષ્મણ ઉર્ફે ગુડ્ડુ સાથે મળીને સુરતના વરાછા, કતારગામ અને મહિધરપુરા વિસ્તારમાં લૂંટની ઘટનાઓને અંજામ આપ્યો હોવાનું કબૂલ્યું છે. આરોપી પાસેથી લૂંટના કેટલાક મોબાઈલ ફોન પણ મળી આવ્યા છે. હાલ પોલીસે આરોપીના ફરાર સાગરીત લક્ષ્મણ ઉર્ફે ગુડ્ડુને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચો:20 November Top News: અક્વાન વાવાઝોડું દરિયાકાંઠે ત્રાટકશે, બુલેટ ટ્રેન માટે વીજ પુરવઠો શરૂ થશે