ભરૂચના આમોદ પંથકમાંથી પસાર થતા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર આજે વહેલી સવારે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો.માતર ગામ નજીક સર્જાયેલા આ ટ્રિપલ અકસ્માતમાં મુસાફરોથી ભરેલી ટ્રાવેલ્સ બસના ડ્રાઈવર કેબિનમાં ફસાઈ ગયા હતા.જોકે કરજણ ફાયર વિભાગની સમયસૂચકતા અને કામગીરીના કારણે ડ્રાઈવરનો આબાદ બચાવ થયો હતો. માતર ટોલ પ્લાઝાથી લગભગ બે કિલોમીટર વડોદરા તરફ આ ગમખ્વાર અકસ્માત થયો હતો. 

ટ્રાવેલ્સ બસનો આગળનો ભાગ ક્ષતિગ્રસ્ત થઈ ગયો 

રાજસ્થાનના બાડમેરથી સુરત તરફ મુસાફરોને લઈને જઈ રહેલી એક પેસેન્જર ટ્રાવેલ્સ બસ એક લાંબુ ટ્રેલર અને એક ફોર વ્હીલર ગાડી આ ત્રિપલ અકસ્માત સર્જાયો હતો.ટક્કર એટલી જોરદાર હતી કે ટ્રાવેલ્સ બસનો આગળનો ભાગ ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો. ટક્કરને કારણે ટ્રાવેલ્સ બસના ડ્રાઈવર આગળની કેબિનમાં જ ગંભીર રીતે ફસાઈ ગયા હતા.વાહનના પતરા અંદરની તરફ ધસી જવાને કારણે ડ્રાઈવર બહાર નીકળી શકે તેવી સ્થિતિમાં નહોતા.ઘટનાને પગલે હાઈવે પર અને આસપાસના વિસ્તારમાં થોડીવાર માટે દોડધામ મચી ગઈ હતી અને વાહનવ્યવહાર પણ પ્રભાવિત થયો હતો.

ડ્રાઈવરને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા

અકસ્માતની આ ગંભીર ઘટનાની જાણ થતાં જ કરજણ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી.ફાયર જવાનોએ યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરી હતી.આધુનિક હાઇડ્રોલિક રેસ્ક્યુ સાધનોની મદદથી કેબિનના લોખંડના પતરા અને સ્ટિયરિંગને કાળજીપૂર્વક કાપવામાં આવ્યા હતા.આ સમગ્ર રેસ્ક્યુ ઓપરેશનમાં એક કલાક જેટલો સમય લાગ્યો હતો.ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ કેબિનમાં ફસાયેલા ડ્રાઈવરને હેમખેમ બહાર કાઢવામાં સફળતા મેળવી હતી.ડ્રાઈવરને બહાર કાઢ્યા બાદ તાત્કાલિક ધોરણે 108 એમ્બ્યુલન્સ મારફતે વધુ સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 

આ પણ વાંચોઃ Gujarat Weather News: ઉત્તર ગુજરાતવાસીઓ સાવધાન, બપોરે 1 વાગ્યા સુધી 9 જિલ્લામાં રેડ એલર્ટ