ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ભારે વરસાદની શક્યતા છે.જેને લઈને વિવિધ જિલ્લાઓમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. બપોરે 01 વાગ્યા સુધીમાં રાજ્યના 9 જિલ્લામાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે.આ વિસ્તારોમાં પ્રતિ કલાક 15 મિલીમીટરથી વધુ વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આજે વહેલી સવારથી જ ઉત્તર ગુજરાતને વરસાદે ઘમરોળ્યું છે. 

ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. જેને પગલે પાટણ,બનાસકાંઠા,મહેસાણા,સાબરકાંઠા અને અરવલ્લી સહિતના ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.આ ઉપરાંત કચ્છ,મોરબી,સુરેન્દ્રનગર,અમદાવાદ,ગાંધીનગર,ખેડા,પંચમહાલ,દાહોદ અને મહિસાગર સહિત કુલ 9 જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જેને લઈને તંત્ર અને નાગરિકોને સાવચેત રહેવા સૂચના અપાઈ છે.

ખેડબ્રહ્મા તાલુકામાં વરસાદી માહોલ જામ્યો

સાબરકાંઠાના ખેડબ્રહ્મા તાલુકામાં વરસાદી માહોલ જામ્યો છે.ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ખેડબ્રહ્મામાંથી પસાર થતી હરણાવ નદીમાં નવા નીર આવ્યા છે. નદીમાં પાણીની આવક થતા કુદરતી નજારો જોવા લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.નવા નીરની આવકથી ધરોઈ જળાશયના જળસ્તરમાં વધારો થશે.આ ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં બોર કૂવાના પાણી ઊંચા આવશે.શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં બે ઈંચ કરતા વધુ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે.

મેઘરજમાં પણ જળબંબાકાર જેવી સ્થિતિ

અરવલ્લી જિલ્લાના શામળાજીની મેશ્વો નદીના ઉપરવાસમાં સારો વરસાદ વરસવાને કારણે નદીમાં નવા નીર આવ્યા છે. આ સિઝનમાં પ્રથમ વખત મેશ્વો નદીમાં પાણીની આવક થતાં સ્થાનિક ખેડૂતોમાં ભારે ખુશીનો માહોલ છવાઈ ગયો છે.અરવલ્લી જિલ્લામાં વરસી રહેલા ભારે વરસાદને કારણે મોડાસા-ગોધરા હાઈવે પર પાણી ભરાવાથી વાહનવ્યવહાર અને જનજીવન પ્રભાવિત થયું છે,જ્યારે બીજી બાજુ અંબાજી તરફ જઈ રહેલા માઈભક્ત પદયાત્રીઓ ધોધમાર વરસાદમાં ભીંજાઈ ગયા છે.રસ્તામાં ભારે વરસાદ પડવાથી માતાજીના રથને સુરક્ષિત રાખવા માટે પદયાત્રીઓએ તેના પર પ્લાસ્ટિક ઢાંકીને ચાલવાની ફરજ પડી છે જેના કારણે આ વરસતા વરસાદ વચ્ચે પદયાત્રીઓની સ્થિતિ મુશ્કેલીભરી બની ગઈ છે. મેઘરજમાં પણ જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી છે. 

પાટણ અને મહેસાણા જિલ્લામાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ

પાટણ જિલ્લામાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને જિલ્લાના તમામ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો છે. આ ભારે વરસાદના કારણે પાટણ શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જેમાં ખાસ કરીને શહેરના સિદ્ધપુર ચાર રસ્તાથી બગવાળા તરફ જતો માર્ગ બંધ થઈ ગયો છે. તેમજ રેલવે ઘરનાળું પણ પાણીમાં ડૂબી જવાને કારણે વાહનચાલકો અને રાહદારીઓને અવરજવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મહેસાણા જિલ્લાના વિસનગરમાં પણ વરસાદી માહોલ જામ્યો છે, જ્યાં ધીમીધારે વરસાદ વરસવાને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. જોકે, આ વરસાદના પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા પણ યથાવત રહી છે.

આ પણ વાંચોઃ Gujarat Rain Update: ઉત્તર ગુજરાતના અરવલ્લી અને પાટણ જિલ્લામાં ભારે વરસાદ, આ તાલુકામાં બે કલાકમાં અઢી ઈંચ