ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં વાહનચાલકોની સુરક્ષા સામે ફરી એકવાર ગંભીર સવાલો ઊભા કરતી હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. વાગરાથી પહાજ જવાના મુખ્ય માર્ગ પર આવેલા તબેલા પાસેથી પસાર થઈ રહેલા એક યુવાનની બાઈક સાથે અચાનક રસ્તા પર ધસી આવેલું JCB અથડાતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઓછણ ગામના યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જેના કારણે સમગ્ર પંથકમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.

તબેલામાંથી અચાનક મુખ્ય માર્ગ પર ધસી આવ્યું JCB

પ્રાપ્ત વિગતો અનુસાર, મૂળ ઓછણ ગામના રહેવાસી સરફરાજ ઉંમરજી પટેલ પોતાની બાઈક (નંબર GJ 16 BJ 7096) લઈને પહાજ તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન પહાજ ગામ નજીક આવેલા એક તબેલામાંથી JCB (નંબર GJ 22 X 0931) અચાનક બહાર નીકળીને મુખ્ય માર્ગ પર ચડી ગયું હતું. બાઈકચાલક કંઈ સમજે કે પ્રતિક્રિયા આપે તે પહેલાં જ વાહનો વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. ટક્કર એટલી ભયાનક હતી કે, બાઈકચાલક સરફરાજને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

Bharuch News: Youth Killed as Bike Collides with JCB on Vagra Road accident

યુવાનના અચાનક મોતથી પરિવારમાં શોકનો માહોલ

અકસ્માતની આ કરુણ ઘટનામાં ગંભીર ઈજાઓના કારણે સરફરાજભાઈનું ઘટના સ્થળે જ પ્રાણપંખેરું ઊડી ગયું હતું. હસતા-રમતા યુવાનના અચાનક અવસાનથી તેમના પરિવાર પર દુઃખનો ડુંગર તૂટી પડ્યો છે. ઘટનાની જાણ થતાં જ વાગરા પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ટ્રાફિક ક્લિયર કરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે વાગરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યો હતો અને આ મામલે ગુનો નોંધી કાયદેસરની તપાસ શરૂ કરી છે.

Bharuch News: Youth Killed as Bike Collides with JCB on Vagra Road accident

સ્થાનિકોમાં રોષ, મુખ્ય માર્ગો પર સુરક્ષા સામે સવાલો

આ ઘટના બાદ સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મુખ્ય માર્ગો પર અચાનક ઔદ્યોગિક કે અન્ય સ્થળોમાંથી ભારે વાહનો દોડી આવતા હોવાથી નિર્દોષ વાહનચાલકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે. પોલીસે અકસ્માતના વાસ્તવિક કારણો અને બેદરકારીની દિશામાં તપાસ આરંભી છે, ત્યારે જવાબદારો સામે કડક કાયદેસરની કાર્યવાહી થાય તેવી ઉગ્ર લોક માગ ઉઠી છે.


આ પણ વાંચો: Bharuch : ઝઘડિયા જીઆઇડીસીમાં સુરક્ષા જવાનોને ફાયર સેફ્ટીની તાલીમ આપવામાં આવી