ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક વિસ્તાર વાગરા-સાયખા GIDC સ્થિત ‘સેનઝીલ ફાર્માકેમ’ (SynZeal PharmaChem) કંપનીમાં મોડી રાત્રે થયેલા કાળમુખા બ્લાસ્ટ બાદ જે ચોંકાવનારા ગ્રાઉન્ડ રિયાલિટીના દ્રશ્યો સામે આવ્યા છે તે જોઈને પથ્થર દિલ માણસ પણ ધ્રૂજી ઊઠે તેમ છે. ૫ નિર્દોષ શ્રમિકોનો ભોગ લેનારા આ પ્રચંડ રિએક્ટર વિસ્ફોટની તાકાત એટલી વિનાશક હતી કે તેની અસર માત્ર સેનઝીલ કંપની પૂરતી સીમિત ન રહેતાં આસપાસની અનેક ઔદ્યોગિક કંપનીઓ અને ખુલ્લા ખેતરો સુધી પહોંચી ગઈ છે. બ્લાસ્ટ બાદ હવામાં ઉછળેલા રિએક્ટરના લોખંડી ટુકડાઓ તોપના ગોળાની જેમ 1000 મીટર (૧ કિલોમીટર) દૂર સુધી ફેંકાયા હોવાના સનસનાટીભર્યા પુરાવા સામે આવ્યા છે.

1000 મીટર દૂર કામ કરતા ટ્રેક્ટરનું ટાયર ફાડી નાખ્યું!

વિસ્ફોટની ભયાનકતા સાબિત કરતો સૌથી મોટો કિસ્સો કંપની પરિસરથી 1 કિલોમીટર દૂર સામે આવ્યો છે. બ્લાસ્ટ થયો તે સમયે કંપનીથી આશરે એક હજાર મીટર દૂર ખેતર/ખુલ્લી જગ્યામાં એક ટ્રેક્ટર કામ કરી રહ્યું હતું. વિસ્ફોટ થતાં જ ટન વજન ધરાવતા રિએક્ટરના ધારદાર લોખંડી ટુકડા હવામાં સેંકડો ફૂટ ઊંચે ઉડ્યા હતા. તેમાંથી એક ભારેખમ ટુકડો 1 કિમી દૂર જઈને સીધો ચાલુ ટ્રેક્ટરના જાડા રબરના ટાયરમાં ધડાકાભેર ઘૂસી ગયો હતો અને ટાયરના ફૂરચેફૂરચા ઉડાવી દીધા હતા.સદનસીબે તે સમયે ટ્રેક્ટર ચાલક કે અન્ય કોઈ વ્યક્તિ તે ટુકડાની સીધી ઝપેટમાં ન આવી, નહીં તો ઘટનાસ્થળે જ માનવ શરીરના ટુકડા થઈ ગયા હોત. લોકોમાં એક જ ચર્ચા છે કે જો એ ક્ષણે વચ્ચે કોઈ માણસ કે પશુ આવ્યું હોત તો તેનું શું થાત?

આસપાસની કંપનીઓમાં તબાહી

સેનઝીલ ફાર્મામાં થયેલા ભીષણ બ્લાસ્ટની આંચ આસપાસની ફેક્ટરીઓ પર પણ ફરી વળી છે. વિસ્ફોટના જોરદાર આંચકા (Shockwave) અને ઉડેલા કાટમાળથી નજીકમાં આવેલી ‘એન.કે. પિગમેન્ટ્સ’ (NK Pigments) કંપનીમાં મોટું નુકસાન થયું છે.કંપનીના શેડના ભારેખમ સિમેન્ટ અને લોખંડના પતરાં કાગળની જેમ તૂટીને નીચે પડ્યા હતા.એન.કે. પિગમેન્ટ્સની આધુનિક ટેસ્ટિંગ લેબોરેટરીમાં મોંઘા સાધનો, ગ્લાસવેર અને કેમિકલ્સ બ્લાસ્ટના કંપનથી તૂટીને વેરવિખેર થઈ જતાં લાખો રૂપિયાનું નુકસાન થયું છે.આસપાસની અન્ય કંપનીઓના કાચ, દીવાલો અને સીલિંગમાં પણ તિરાડો પડી ગઈ છે.

5 મોત, 2 જીવન-મરણ વચ્ચે

આ હોનારત કેમિકલ ઝોનમાં સુરક્ષા સામે મોટો તમાચો સમાન બની ગઈ છે. મોડી રાત્રે રિએક્ટર ફાટતાં કંપનીમાં નાઈટ શિફ્ટમાં કામ કરી રહેલા ૫ શ્રમિકોના કરુણ મોત નિપજ્યા છે, જ્યારે ૨ કામદારો ગંભીર દાઝેલી હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. રાત્રે 15 કિલોમીટર દૂર સુધી કાન ફાડી નાખતો અવાજ સંભળાયો હતો અને ગામડાંઓમાં ભૂકંપ જેવી ધ્રૂજારી અનુભવાઈ હતી.સવાર થતાં જ જ્યારે કંપની અને આસપાસના વિસ્તારોની સ્થિતિ સામે આવી ત્યારે જાણે કોઈ યુદ્ધ ક્ષેત્રમાં બોમ્બમારો થયો હોય તેવો ભયાનક નજારો જોવા મળ્યો હતો.

પોલીસ અને ઇન્ડસ્ટ્રિયલ સેફ્ટી ટીમ દ્વારા ટેકનિકલ તપાસ તેજ

ઘટનાની ગંભીરતાને જોતાં વહીવટી તંત્ર દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. ભરૂચ જિલ્લા પોલીસ અને ડિરેક્ટરેટ ઓફ ઇન્ડસ્ટ્રિયલ સેફ્ટી એન્ડ હેલ્થ (DISH) ની ટીમોએ ઘટનાસ્થળે ધામા નાખ્યા છે. રિએક્ટર કયા પ્રેશરથી ફાટ્યું, ટેમ્પરેચર કંટ્રોલ સિસ્ટમ કેમ ફેઈલ થઈ અને સુરક્ષા નિયમોનું ઉલ્લંઘન થયું હતું કે કેમ તે અંગે ફોરેન્સિક પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે.વાગરા અને સાયખા ઔદ્યોગિક પંથકમાં વારંવાર બનતા આવા જીવલેણ બનાવોને કારણે સ્થાનિક કામદારો અને ગ્રામજનોમાં ભારે રોષ અને ભયનો માહોલ ફેલાયો છે.

આ પણ વાંચો: Surat: ભેસ્તાનમાં માતા-પિતા કામમાં મશગૂલ હતા ને 2 માસૂમ રમતાં-રમતાં મોતને ભેટ્યા; લિફ્ટના પાણી ભરેલા ખાડાએ બે જિંદગીઓ છીનવી લીધી