ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના વટારીયા ખાતે આવેલી શ્રી ગણેશ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળીની હરાજી અટકાવવાનો માર્ગ હવે મોકળો થયો છે.ફેક્ટરી પર રહેલું દેવું ભરપાઈ કરવા માટે રાજ્ય સરકાર અને ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ બેંક મદદે આવી છે.આ મદદની જાહેરાત થતાં જ સ્થાનિક ખેડૂતો તેમજ સભાસદોમાં દિવાળી ટાણે ખુશીનો માહોલ છવાયો છે.ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકા સ્થિત વટારીયાની શ્રી ગણેશ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી એટલે કે શ્રી ગણેશ સુગર ફેક્ટરી પર લાંબા સમયથી આર્થિક સંકટ તોળાઈ રહ્યું હતું.

સત્તાવાર નોટિસ જારી કરવામાં આવી હતી

ફેક્ટરી પાસે આશરે રૂ. 250 કરોડની જંગી મિલકતો ઉપલબ્ધ છે, તેની સામે સંસ્થા પર માત્ર રૂ.48 કરોડનું બાકી દેવું બોલી રહ્યું હતું.આ બાકી નીકળતા દેવાની વસૂલાત માટે એનસીડીસી દ્વારા આગામી 18 નવેમ્બરના રોજ ફેક્ટરીની મિલકતોની હરાજી કરવા માટે સત્તાવાર નોટિસ જારી કરવામાં આવી હતી.આ હરાજીની નોટિસ આવતા જ હજારો ખેડૂત સભાસદો અને સહકારી ક્ષેત્રમાં ભારે ચિંતા પ્રસરી ગઈ હતી.સહકારી માળખાને મોટો ફટકો ન પડે તે હેતુથી કસ્ટોડિયન કમિટી તેમજ ભરૂચ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંકના ચેરમેન અને વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા દ્વારા તાકીદે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.તેમણે સમગ્ર મામલે રાજ્ય સરકાર સાથે સીધું સંકલન સાધીને સંસ્થાને ઉગારવા માટે રજૂઆત કરી હતી.આ સંકલનના પરિણામે ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ બેંકનો મહત્વપૂર્ણ સહયોગ મેળવવામાં સફળતા સાંપડી છે.ફેક્ટરીના માથે રહેલા રૂ.48 કરોડના દેવાની પતાવટ અને ચુકવણી માટે બેંક તરફથી જરૂરી સહયોગ અને બાંહેધરી પ્રાપ્ત થઈ ગઈ છે. 

18 નવેમ્બરે યોજાનારી હરાજી અટકી જશે

આ નાણાકીય ટેકો મળવાને કારણે ફેક્ટરીની 18 નવેમ્બરે યોજાનારી હરાજી અટકી જશે તેવી સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.આ સમગ્ર ઘટનાક્રમ અંગે યોજાયેલી એક વિશેષ પત્રકાર પરિષદમાં વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણાએ ભૂતકાળના વહીવટ સામે ગંભીર આક્ષેપો કર્યા હતા.તેમણે પત્રકારો સમક્ષ જણાવ્યું હતું કે અગાઉ કોંગ્રેસના શાસનકાળ દરમિયાન આ સહકારી ખાંડ ફેક્ટરી દેવામાં ડૂબી ગઈ હતી.તેમણે ફેક્ટરીના પૂર્વ ચેરમેન અને કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી સંદીપ માંગરોલા પર સીધો આક્ષેપ કરતા કહ્યું કે, તેમના કાર્યકાળમાં વિવિધ એજન્સીઓને આશરે રૂ. 40 કરોડ જેટલી રકમ ઉધાર આપવામાં આવી હતી. આ જંગી રકમની યોગ્ય વસૂલાત ન થવાના કારણે જ ફેક્ટરી આર્થિક કટોકટીમાં ધકેલાઈ ગઈ હતી.તેમણે વધુમાં સ્પષ્ટતા કરી હતી કે રૂ. 250 કરોડ જેવી માતબર કિંમતની સંપત્તિ સામે રૂ. 48 કરોડના સામાન્ય દેવા માટે ફેક્ટરીની હરાજી થવા દેવાય નહીં. આથી જ કસ્ટોડિયન કમિટી, ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ બેંક અને રાજ્ય સરકાર વચ્ચે બેઠકો યોજીને સુખદ ઉકેલ લાવવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ Amreli News: લોક સાહિત્યકાર માયાભાઈ આહીરના પુત્રની જમીન પચાવવાના કેસમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ