ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના વેપારી મથક એવા રાજપારડી ખાતે આજે સવારે સનસનાટીભરી ચોરીની ઘટના સામે આવી છે. રાજપારડીમાં આવેલી 'પિયુષ એજન્સી' નામની હોલસેલની દુકાનના માલિકે સવારે રાબેતા મુજબ દુકાન ખોલી હતી. દરમિયાન એક અજાણ્યો શખ્સ સિગારેટ લેવાના બહાને દુકાને આવ્યો હતો. દુકાનદાર કોઈ કામ અર્થે પાછળના ભાગે આવેલા બાથરૂમમાં ગયા તે જ ક્ષણનો લાભ ઉઠાવીને આ ચાલાક ગઠીયો દુકાનમાં રાખેલી રૂ. 15 લાખની રોકડ રકમ ભરેલી બેગ લઈને ક્ષણવારમાં ગાયબ થઈ ગયો હતો.
ભરૂચના ઝઘડિયામાં દિલધડક ચોરી
દુકાનદાર બાથરૂમમાંથી બહાર આવ્યા ત્યારે કાઉન્ટર પરથી 15 લાખ ભરેલી રોકડ બેગ ગાયબ જોઈને તેમના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. આસપાસના વિસ્તારમાં શોધખોળ કરવા છતાં તસ્કરનો કોઈ પત્તો લાગ્યો ન હતો. ચોંકાવનારી બાબત એ છે કે રાજપારડીની આ જ ‘પિયુષ એજન્સી’માં ચોરીનો આ કોઈ પહેલો બનાવ નથી. બરાબર એક મહિના અગાઉ પણ આ દુકાનમાંથી રૂ. 98,000 ની કિંમતના સિગારેટના પેકેટો ચોરાયા હોવાની સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. એક જ મહિનાના ટૂંકા ગાળામાં ફરી એક વાર આ જ દુકાનને નિશાન બનાવી રૂ. ૧૫ લાખની મોટી મત્તાની ઉઠાંતરી કરવામાં આવતાં સ્થાનિક વેપારીઓમાં ભારે ફાળ પડી છે.
