ભાવનગર શહેરના રાણીકા વિસ્તારમાં રખડતાં શ્વાનનો આતંક સામે આવ્યો છે. શાકભાજી ખરીદીને ઘરે જઈ રહેલી મહિલા પર 6થી 7 રખડતાં શ્વાનના ટોળાએ અચાનક હુમલો કર્યો હતો. શ્વાનોએ મહિલાના પગ અને પેટના ભાગે બચકાં ભરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. મહિલાની બૂમાબૂમ સાંભળીને સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને પથ્થર મારી શ્વાનના ટોળાને ભગાડી મહિલાને બચાવી હતી. ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે સર ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.
શાકભાજી લઈને ઘરે જતી મહિલા પર હુમલો
મળતી વિગતો મુજબ, ભાવનગરના રાણીકા વિસ્તારમાં જૂના બરફના કારખાના પાસે પારસીના ચોક અને સનોબર મહેંદીની સામેના વિસ્તારમાં આ ઘટના બની હતી. મહિલા શાકભાજી ખરીદીને ઘરે જઈ રહી હતી ત્યારે 6થી 7 રખડતાં શ્વાનના ટોળાએ તેના પર હુમલો કર્યો હતો. શ્વાનોએ મહિલાના પગ અને પેટના ભાગે બચકાં ભરતાં તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી.
સ્થાનિકોએ પથ્થર મારી મહિલાને બચાવી
મહિલા પર શ્વાનના ટોળાએ હુમલો કરતાં આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. સ્થાનિકોએ પથ્થર મારી શ્વાનને ભગાડ્યા હતા અને મહિલાને તેમના હુમલામાંથી બચાવી હતી. ત્યારબાદ ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે સર ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.
15થી 16 શ્વાનનો ત્રાસ હોવાનો સ્થાનિકોનો આક્ષેપ
સ્થાનિકોના આક્ષેપ મુજબ, આ વિસ્તારમાં અંદાજે 15થી 16 રખડતાં શ્વાનનો ત્રાસ છે. શ્વાન રાહદારીઓ, બાળકો, મહિલાઓ અને વૃદ્ધોની પાછળ દોડે છે અને કરડવાનો પ્રયાસ કરે છે. અગાઉ પણ 8થી 10 લોકોને શ્વાન કરડ્યાની ઘટનાઓ બની હોવાનો સ્થાનિકોએ દાવો કર્યો છે.
બાળકો અને વૃદ્ધોની અવરજવર મુશ્કેલ
રખડતાં શ્વાનના ત્રાસને કારણે નાના બાળકોને શાળાએ જવામાં અને વૃદ્ધોને ઘરની બહાર નીકળવામાં મુશ્કેલી પડી રહી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. રસ્તા પરથી પસાર થતા રાહદારીઓમાં પણ શ્વાનના હુમલાનો ભય જોવા મળી રહ્યો છે.
હુમલાના CCTV ફૂટેજ સામે આવ્યા
મહિલા પર થયેલા શ્વાનના હુમલાની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હોવાનું સામે આવ્યું છે. આ ફૂટેજ પણ સામે આવ્યા છે. રાણીકા વિસ્તારમાં રખડતાં શ્વાનના વધતા ત્રાસને લઈને સ્થાનિકોમાં ચિંતા જોવા મળી રહી છે.
આ પણ વાંચો : Cyclone Akvan Live : ભીષણ વાવાઝોડા અકવાનનું લેન્ડફોલ શરૂ, આગામી 3 કલાક સુધી ચાલશે ભારે તોફાન