ભાવનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉભા કરતો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. શહેરના ઉત્તર કૃષ્ણનગર વિસ્તારમાં પરણિતાની છેડતીનો વિરોધ કરવા ગયેલા પરિવાર પર કેટલાક શખ્સોએ હિચકારો અને પ્રાણઘાતક હુમલો કર્યો છે. લુખ્ખાતત્વોએ તમામ હદો વટાવીને પરણિતાના પતિ, જેઠ અને સસરા પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી દેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. તમામ ઇજાગ્રસ્તોને ગંભીર હાલતમાં સારવાર અર્થે ભાવનગરની પ્રખ્યાત સર ટી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.


પરણિતાની સ્થાનિક વિસ્તારનો જ એક માથાભારે શખ્સ અવારનવાર છેડતી કરતો

મળતી માહિતી મુજબ, એક પરણિતાની સ્થાનિક વિસ્તારનો જ એક માથાભારે શખ્સ અવારનવાર છેડતી કરતો હતો. આ માથાભારે શખ્સે તમામ મર્યાદાઓ ઓળંગીને પરણિતાનો હાથ પકડી લીધો હતો અને અભદ્ર વર્તન કર્યું હતું. આ બાબતે ભોગ બનનાર પરણિતાના પતિએ અગાઉ પણ તે શખ્સને અવારનવાર સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ આ માથાભારે શખ્સ પોતાની હરકતોથી બાજ આવ્યો ન હતો.

ઠપકો આપવા જતાં 5 શખ્સો તૂટી પડ્યા

ગઈકાલે જ્યારે માથાભારે શખ્સની આ કરતૂત અંગે પરણિતાના પતિ, તેમના ભાઈ (જેઠ) અને પિતા (સસરા) ત્રણેય ભેગા મળીને આરોપીને ઠપકો આપવા ગયા હતા, ત્યારે મામલો બિચક્યો હતો. આરોપી અને તેની સાથેના 4 થી 5 લોકોના ટોળાએ ઉશ્કેરાઈને આ પીડિત પરિવાર પર લાકડીઓ અને ધારદાર હથિયારો વડે હુમલો કરી દીધો હતો. હુમલો એટલો ભયાનક હતો કે પિતા અને તેમના બંને પુત્રો લોહીલુહાણ થઈ ગયા હતા. હુમલો કર્યા બાદ તમામ શખ્સો ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ હોસ્પિટલ ચોકી દ્વારા આ મામલે પ્રાથમિક ડાયરી નોંધીને સ્થાનિક પોલીસે ફરાર થઈ ગયેલા હુમલાખોરો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો---  Sandesh Digital Explainer : રામ નામે પથ્થર તર્યા..! અયોધ્યા રામ મંદિરમાં સવા વર્ષ સુધી કેવી રીતે ચાલ્યું કરોડોનું ' દાન કૌભાંડ'? વાંચો ઇન-ડેપ્થ માહિતી

  • Follow us on: