ભાવનગર શહેરના ઘોઘારોડ પોલીસ સ્ટેશન હેઠળના આનંદનગર (હુડકો) વિસ્તારમાં એક ચોંકાવનારી અને સનસનીખેજ ઘટના સામે આવી છે. સ્કૂલ વર્ધીના ધંધા બાબતે ચાલતી અદાવતમાં 61 વર્ષીય રિક્ષાચાલક મુકેશ હસમુખ પટેલે પોતાના જ મિત્ર 48 વર્ષીય ભાવેશ ધીરુભાઈ વિસાણીનો કાંટો કાઢી નાખવા ઝેરી દારૂ પીવડાવી હત્યા નિપજાવી હોવાનો ઘટસ્ફોટ થયો છે.

ભાવનગરમાં મિત્રતા લોહિયાળ બની

પોલીસ તપાસ અનુસાર, અગાઉ ભાવનગરમાં 14 લોકોનો ભોગ લેનાર ઝેરી 'રોયલ સ્ટેગ' દારૂની બોટલ મુકેશે સંજય નામના શખ્સ પાસેથી ખરીદી હતી. લઠ્ઠાકાંડ વખતે દારૂ ઢોળી નાખ્યાનું ખોટું કહી મુકેશે આ બોટલ ઘરના દાદરા નીચે સંતાડી રાખી હતી. ગત તા.3/9 (શીતળા સાતમ) ના રોજ મુકેશે આગ્રહ કરીને આ ઝેરી દારૂ ભાવેશભાઈને આપ્યો હતો. દારૂ પીધા બાદ 4/9 ના રોજ ભાવેશભાઈને 25થી વધુ ઉલટીઓ અને તાવ આવતાં તેમણે સર ટી. હોસ્પિટલના MICU-2 માં દમ તોડ્યો હતો.

મિત્રએ જ ઝેરી દારૂ પીવડાવી મિત્રની હત્યા કરી

હોસ્પિટલમાં દાખલ ભાવેશભાઈને તબીબોએ આલ્કોહોલની આશંકા દર્શાવતાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. FSL ગાંધીનગરના રિપોર્ટમાં મૃતકના લોહીમાં મિથાઈલ આલ્કોહોલ 0.0818% હોવાનું સાબિત થયું હતું.બીજી તરફ, મૃતકના ભાઈ દિલીપભાઈ દ્વારા રજૂ કરાયેલી પેનડ્રાઈવના સ્ક્રીપ્ટ પંચનામામાં મુકેશ પટેલ ભાવેશભાઈને "પોલીસને દારૂનું નામ ન આપવા" ડરાવીને દબાણ કરતો હોવાના ભયાનક પુરાવા મળી આવ્યા હતા.

ઉલટીઓ થઈ છતાં પોલીસને ન કહેવા ધમકાવ્યો

કડક પૂછપરછમાં મુકેશે ધંધાકીય ફટકો મારવા અને આર્થિક લાભ ખાટવા મિત્રને ઝેરી દારૂ પીવડાવ્યાની કબૂલાત કરી હતી. ઘોઘારોડ પોલીસે PSI એ.એસ. કટારાની આગેવાની હેઠળ આરોપી મુકેશ પટેલ અને દારૂ આપનાર સંજય સામે BNS ની કલમ 103(1) હત્યા સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી અટકાયતની કામગીરી હાથ ધરી છે.

આ પણ વાંચો: Gandhinagar: ગર્લ્સ હોસ્ટેલમાં 100 વિદ્યાર્થીનીઓ બીમાર; રાજ્યની તમામ હોસ્ટેલોમાં ચેકિંગ ડ્રાઇવના આદેશ