ભાવનગર યુનિવર્સિટી કેમ્પસમાં વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને મોટા સવાલો ઉભા કરતી ઘટના સામે આવી છે. કેમ્પસમાં માત્ર પાર્કિંગની સામાન્ય બાબતે થયેલી બોલાચાલીની અદાવત રાખીને વિધર્મી વિદ્યાર્થીઓ અને તેમના સાગરીતો દ્વારા એબીવીપીના કોલેજ પ્રમુખ સહિત બે વિદ્યાર્થીઓ પર છરી અને ધોકા વડે ઘાતકી હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલાની ઘટનાને પગલે વિદ્યાર્થી સંગઠનો અને હિન્દુ સંગઠનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે અને યુનિવર્સિટી પરિસરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

પાર્કિંગની બોલાચાલીની દાઝ રાખી 

મળતી માહિતી અનુસાર, ગત 9 જુલાઈના રોજ એબીવીપી સહજાનંદ કોલેજના પ્રમુખ પ્રિયરાજસિંહ પરમાર અને અમન આસિફ ખોખર વચ્ચે કેમ્પસના પાર્કિંગમાં બાઇક મૂકવા બાબતે સામાન્ય બોલાચાલી થઈ હતી. આ સામાન્ય ઝઘડાની દાઝ રાખીને 4 થી વધુ શખ્સોએ હથિયારો સાથે ધસી આવીને પ્રિયરાજસિંહ પરમાર અને તેમના મિત્ર હર્ષ ચૌહાણ પર તૂટી પડ્યા હતા. હુમલાખોરોએ છરી અને ધોકાના આડેધડ ઘા મારતાં બંને વિદ્યાર્થીઓ લોહીલુહાણ થઈ ગયા હતા, જેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

પોલીસે 1 સગીર સહિત 4 ની અટકાયત કરી, કોલેજ તંત્રના કડક પગલાં

આ ચકચારી હુમલા અંગે નિલમબાગ પોલીસ સ્ટેશનમાં વિધર્મી શખ્સો સામે ગુનો નોંધાતા પોલીસ તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું. પોલીસે ગણતરીના કલાકોમાં જ કાર્યવાહી કરીને 1 સગીર સહિત 2 વિદ્યાર્થીઓ અને અન્ય મળી કુલ 4 આરોપીઓની અટકાયત કરી લીધી છે. બીજી તરફ, શૈક્ષણિક સંકુલમાં આવી ગુંડાગીરી ચલાવી ન લેવાય તે માટે કોલેજના ટ્રસ્ટીએ પણ હુમલો કરનારા અને કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સામે તાત્કાલિક ધોરણે કડક શિસ્તભંગના પગલાં લીધા છે.

વિવિધ સંગઠનોના કોલેજમાં ધામા, ઉગ્ર રજૂઆત

કેમ્પસમાં વિદ્યાર્થીઓ પર થયેલા આ હિચકારા હુમલાના સમાચાર વાયુવેગે પ્રસરતા જ બજરંગદળ, વીએચપી , એબીવીપી અને એનએસયુઆઈ સહિતના તમામ વિદ્યાર્થી અને સામાજિક સંગઠનોના હોદ્દેદારો મોટી સંખ્યામાં કોલેજ ખાતે દોડી આવ્યા હતા. સંગઠનોએ કેમ્પસમાં વિદ્યાર્થીઓની સુરક્ષા વધારવા અને નરાધમ હુમલાખોરો સામે કડકમાં કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ સાથે કોલેજ સત્તાધીશો સમક્ષ ઉગ્ર રજૂઆત કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.


આ પણ વાંચો  :  Sandesh Indepth : સુરતમાં સંકોચાતી ખાડી બની 'ડેથ ટ્રેપ', 1 હજાર કરોડની જાહેરાતો માત્ર કાગળ પર, 9.23 લાખ નાગરિકો આજે પણ જોખમમાં