ભાવનગર શહેરમાં સરકાર દ્વારા આર્થિક રીતે નબળા વર્ગના લોકોને પોતાના ઘરનું ઘર છત મળી રહે તે હેતુથી પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) હેઠળ મકાનોની ફાળવણી કરવામાં આવી છે. જોકે, ઘણા લાભાર્થીઓ આ સરકારી યોજનાનો દુરુપયોગ કરીને મકાનમાં પોતે રહેવાને બદલે તેને કમાણીનું સાધન બનાવી રહ્યા હોવાની ફરિયાદો મનપાને મળી હતી.
પ્રધાનમંત્રી આવાસ યોજના કમાણીનું સાધન
આ ફરિયાદોના આધારે ભાવનગર મહાનગરપાલિકાની વિશેષ ટીમે છેલ્લા 4 દિવસ દરમિયાન શહેરના વિવિધ વિસ્તારો જેવા કે રુવા, ઘોઘા રોડ, ફુલસર અને આખલોલ જકાતનાકા ખાતે આવેલા PMAY આવાસમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન ટીમે 168 મકાનોની ચકાસણી કરી હતી, જેમાં રફલી દર 3 માંથી 1 મકાનમાં મૂળ લાભાર્થીને બદલે અન્ય ભાડૂઆતો રહેતા હોવાનો પર્દાફાશ થયો હતો.
આવાસ ફાળવણી રદ કરવા સુધીની કાર્યવાહી
પ્રધાનમંત્રી આવાસ યોજનાના નિયમો મુજબ ફાળવવામાં આવેલું મકાન લાભાર્થી પોતે જ વાપરી શકે છે અને તેને અમુક ચોક્કસ સમયગાળા સુધી ભાડે આપવા કે વેચવા પર સખત મનાઈ હોય છે. છતાં કેટલાક લાભાર્થીઓએ આ મકાનો ઊંચા ભાડા વસૂલીને અન્ય લોકોને આપી દીધા હતા.ચેકિંગ દરમિયાન ઝડપાયેલા તમામ 61 આવાસના મૂળ ફાળવણીકારોને કાયદેસરની નોટિસ ફટકારવામાં આવી છે અને આ મકાનોને સીલ કરવાની કામગીરી શરૂ કરી દેવાઈ છે. મનપા અધિકારીઓના જણાવ્યા મુજબ, નિયમોનો અનાદર કરનાર લાભાર્થીઓની આવાસ ફાળવણી રદ કરવા સુધીની કડક કાર્યવાહી કરવામાં આવશે, જેથી ખરેખર જરૂરિયાતમંદ લોકોને આ યોજનાનો લાભ મળી શકે.
આ પણ વાંચો: Modasa: સગરવાડામાં રાત્રે મકાનનો સ્લેબ તૂટતાં 7 લોકોને ઈજા, રક્ષાબંધન કરવા આવેલા બહેન-ભાણેજ પણ ઈજાગ્રસ્ત