ભાવનગર શહેરના ચાવડીગેટ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સામે સવાલો ઊભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. ચાવડીગેટ પોલીસ ચોકીની બિલકુલ સામે જ પરબત સોલંકી નામના યુવક પર ચાર જેટલા અસામાજિક શખ્સોએ જાહેર માર્ગ પર જ ઘેરીને છરી, પાઇપ અને ધારીયા જેવા ઘાતક હથિયારો વડે સરેઆમ હુમલો કરી દીધો હતો.

ચાવડીગેટ પોલીસ ચોકી સામે યુવક પર હુમલો 

પ્રાપ્ત વિગતો મુજબ, ઈજાગ્રસ્ત પરબત સોલંકીને આરોપીઓ સાથે આશરે ચાર મહિના અગાઉ કોઈ બાબતે માથાકૂટ થઈ હતી. આ જૂની અદાવતની મનદુખ રાખીને કાનાભાઈ સોલંકી તથા તેના ભત્રીજાઓ સહિતના ચાર શખ્સોએ યુવકને આંતરીને તીક્ષ્ણ હથિયારોના આડેધડ ઘા ઝીંકી દીધા હતા. આ હુમલામાં પરબત સોલંકીને માથાના ભાગે, પીઠ અને પેટમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. સાથોસાથ હુમલા દરમિયાન તેના જમણા હાથની મહત્વની નસ પણ કપાઈ ગઈ હતી.

હાથની નસ કપાઈ જતાં યુવકની હાલત નાજુક

લોહીલુહાણ હાલતમાં પડેલા યુવકને તાત્કાલિક અસરથી ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જોકે, તેની શારીરિક સ્થિતિ અત્યંત ગંભીર જણાતાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ વિશિષ્ટ સારવાર માટે અમદાવાદની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો છે.બનાવ અંગે નીલમબાગ પોલીસ સ્ટેશનમાં કાનાભાઈ સોલંકી અને તેના ભત્રીજાઓ સામે નામજોગ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ ચોકી સામે જ બનેલી આ ઘટનાને પગલે નીલમબાગ પોલીસે ગુનો નોંધી ઘટનાસ્થળના સીસીટીવી (CCTV) ફૂટેજ મેળવી આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી દરોડા શરૂ કર્યા છે.

આ પણ વાંચો: Kheda: શેઢી નદી પરનો જર્જરિત બ્રિજ તોડી નવો બનાવાશે, કલેક્ટરના જાહેરનામા બાદ વાહનવ્યવહાર બંધ કરાશે